મોરબી : મોરબીમાં આવેલ ગોકુલ હોસ્પિટલના એમ.ડી. ડો. વિપુલ માલાસણા એ કોરોના વાયરસ પર કવિતા લખી છે. જેમાં ડોક્ટરે કોરોનાથી ડર્યા વિના અને તેની સામે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ સદ્વ્યવહાર જીવનનિર્વાહ કરવાની પ્રેરણા આપી છે. ડોક્ટરે રચેલી કવિતા નીચે મુજબ છે. કોરોનાની કવિતા કેસના આંકડાઓની માયાજાળમાં પડવું નહિ, પણ હા, માસ્ક વગર જ્યાં-ત્યાં રખડવું નહિ. તરતા ભલે આવડે પણ દરિયામાં તરવું નહિ, ભલે હો અત્યારે પાનખર પણ આપણે હમણાં ખરવું નહિ. જરૂર હોય ત્યાં જરૂર જવું પણ વગર કારણે ફરવું નહિ, આવશે આમંત્રણ ઘણા પણ બધી જગ્યાએ ચરવું (જમવું) નહિ. હક અને સત માટે પાછું પડવું નહિ પણ કારણ વગર લડવું નહિ, નડે તેની સામે નમવું નહિ પણ સીધા રસ્તે ચાલનારને નડવું નહિ. નસીબ વિના પાંદડું પણ ન હલે, તેથી બીજાની પ્રગતિ જોઈ બળવું નહિ, પાડવા મથશે તમને ઘણા પણ બીજાના પાડ્યા કદી પડવું નહિ. પ્રભુ, માતા-પિતાને પ્રણામ, વડીલોને વંદન પણ બધાના ચરણે શીશ ધરવું નહિ, કોરોના તો કાંઈ નથી, પણ થાય ભલે ભડાકા તોય થથરવું નહિ. રસી (વેક્સીન) તો રક્ષક છે, માતાજીની એમાં મનાઈ નથી, ખોટી અંધશ્રદ્ધામાં પડવું નહિ, અને ધ્યાન રાખતા રાખતાય જો થાય કોરોના તો પણ ડરવું નહિ!