રમણીય વાતાવરણ વચ્ચે કરાય છે સારવાર વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાના દર્દીઓને ઘર જેવી જ સારવાર, દવા અને ભોજન તદન નિઃશુલ્ક મળી રહે તે માટે ગાયત્રી શક્તિપીઠ ખાતે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંત અને વેદ માતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેદ માતા ગાયત્રી કોવીડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. 50 બેડની ક્ષમતા ધરાવતા આ કોવિડ સેન્ટરનો બે દિવસ પૂર્વે પ્રારંભ કરાયો હતો. જેમાં વિપુલભાઈ અઘારા (વિભાગ સહ કાર્યવાહ), લલિતભાઈ ભાલોડીયા (સંઘચાલક), સંતોષ દુબેજી (પ્રચારક), અશ્વિનભાઈ રાવલ, પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ પારેખ તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં કોરોનાનાં હળવા લક્ષણો છે, તેવા દર્દીઓને રહેવા જમવાની સગવડ તથા દવાઓ સહિત વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં તા. 17થી ડૉ. અભિષેક પરસાણીયા (mbbs) નિઃશુલ્ક ઓપીડી સેવા આપશે. અહીં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો સતત માર્ગ દર્શન અને સેવા માટે ખડેપગે સેવા આપી રહ્યા છે. વધુ વિગત માટે પ્રગ્નેશભાઈ પટેલ (98252 22855), હિરેનભાઈ પારેખ (92278 21999), રાહુલભાઈ જોબનપુત્રા (92650 66096)નો સંપર્ક કરી શકાશે.