આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોએ મુખ્યમંત્રીને વેદનાસભર રજુઆત કરી મોરબી: કોરોના મહામારીની વ્યાપક લ્હેર વચ્ચે આશાવર્કર બહેનો તથા ફેસીલીટેટર બહેનોને અંતરિયાળ ગામોમાં આરોગ્યવિષયક વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. જે કામગીરીની યોગ્ય કદર કરવામાં ન આવી હોવાનો વસવસો વ્યક્ત કરી માત્ર રૂપિયા 33 જેટલું જ મહેનતાણું ચૂકવાતું હોય આશાવર્કર બહેનોએ મુખ્યમંત્રીને પત્ર લખી સન્માનજનક વળતર આપવાની માંગણી કરી છે. મોરબી જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને મોકલાવેલા પત્રમાં આશાવર્કર બહેનો વતી મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમ્યાન આશાવર્કર બહેનોને 33 રૂપિયા 33 પૈસા અને ફેસીલીટેટર બહેનોને 16 રૂપિયા 33 પૈસા જેવી મામુલી રકમ પ્રોત્સાહિત રાશિ તરીકે ચુકવવાનું નક્કી કરાયું હતું. જો કે, આ નક્કી કરેલુ મહેનતાણું પણ જુલાઈ 2020થી ચૂકવવાનું બાકી છે. છેલ્લા 14 મહિનાઓથી આશાવર્કર અને આશા ફેસિલિટેટર બહેનો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ બની ગામડાઓ ખૂંદી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવવાનું થતું હોવા છતાં માસ્ક, હેન્ડ ગ્લોઝ, સેનેટાઈઝર, પી.પી.ઇ. કીટ કે ફેસ શિલ્ડ તંત્ર દ્વારા પુરા પાડવામાં આવ્યા ન હોવાથી ઘણી બહેનો કોરોના સંક્રમિત થઈ હતી. જે પૈકી ઘણી આશાવર્કર બહેનોના અવસાન પણ થયા છે ત્યારે મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ સમક્ષ દરજ્જો આપી વળતર ચુકવવાની મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં માંગ કરવામાં આવી છે. વધુમાં ઉક્ત રજુઆતમાં જણાવાયું છે કે, કોરોના મહામારીમાં જે બાળકો અનાથ બન્યા છે તેમને કે.જી. થી લઈને પી.જી. સુધીનું શિક્ષણ નિઃશુલ્ક આપવું જોઈએ. તથા એ સંતાનોને 18 વર્ષના થાય ત્યાં સુધી નિઃશુલ્ક આરોગ્ય સુવિધાઓ સરકારે પુરી પાડવી જોઈએ. આ ઉપરાંત બાળકોને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન ચુકવવાની માંગ કરી છે. આ માટેની જોગવાઈ કરવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા રાજ્યપાલ સુધી આવનારા દિવસોમાં આ સંગઠન રજુઆત કરવા જશે એવી તૈયારી પણ કરી હોવાનું પત્રમાં જણાવાયું છે. સરકાર આ બાબત પ્રત્યે દુરલક્ષ્ય સેવશે તેવા સંજોગોમાં મુખ્યમંત્રી સુધી આશાવર્કર બહેનોની વેદના પહોંચાડવા માટે ગાંધીનગર કૂચ કરવાની ફરજ પડશે એવું પત્રના અંતમાં જણાવાયું છે.