હાલના તબક્કે પ્રથમ આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન અપાશે મોરબી : વડાપ્રધાન મોદીની સતાવાર જાહેરાતને પગલે ઘણા સમયથી કોરોના મહામારી ઉપર કાબુ મેળવવા માટેની મહત્વકાંક્ષી કોરોના વેકસીનની આતુરતાથી જોવાતી રાહનો અંત આવી ગયો છે. સમગ્ર દેશમાં આગામી 16મીએથી કોરોના રસીકરણનો પ્રારંભ થનાર છે.સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ 16મી રસીકરણની શરૂઆત થશે એ માટે સમગ્ર જિલ્લા તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ કસરતો પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે કોરોના વેકસીનના લોન્ચિંગ માટે તંત્ર સજ્જ બન્યું છે. મોરબી જિલ્લામાં 16 મીએ હાલ ત્રણ સ્થળે કોરોના રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા-હળવદ ખાતે કોરોના વેકસીન હાલના તબક્કે આરોગ્યના કર્મીઓને આપવામાં આવશે.આ કોરોના રસીકરણની તૈયારીઓ સંદભે કૌર કમિટીની બેઠક યોજાઇ હતી.આ ત્રણ સ્થળોએ પ્રથમ દિવસે 100-100 કર્મચારીઓને રસીકરણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે .ત્યારબાદ ઉપરથી આદેશ આવે તે પ્રમાણે આગળ રસીકરણની કાર્યવાહી કરાશે. આ ત્રણ સ્થળના નોડલ અધિકારીઓ નિમાઈ ગયા છે.વેકસીન આપવા માટે 5-5 નો સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે. અને 2-2 રિઝર્વ સ્ટાફ પણ તૈનાત રખાશે.16 મીએ રસીકરણ માટે ખાનગી અને સરકારી સહિત 4 હજાર જેટલા આરોગ્યના કર્મચારીઓ નોંધાયા છે.પ્રથમ સરકારી કર્મચારીઓને રસીકરણ કરાશે.