અત્યાર સુધીમાં કુલ 5,07,118 વ્યક્તિઓને પ્રથમ ડોઝ તથા 1,30,726 વ્યક્તિઓને બીજો ડોઝ અપાયો મોરબી : હાલ સમગ્ર ગુજરાતમાં કોવિડ રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનેક પડકારોનો સામનો કરી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપે પ્રથમ ડોઝ આપી તેમજ 1.30 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપી નોંધપાત્ર રસીકરણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. નોંધનીય છે કે મોરબી જિલ્લાના 28 ગામોમાં કોરોના વેક્સિનેશનની 100 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. મોરબી જિલ્લામાં તા.16 જાન્યુઆરી 2021થી કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારથી આજદિન સુધીમાં 18 વર્ષથી વધુ વયના આશરે 8 લાખ વ્યક્તિઓ પૈકી કુલ 5,07,118 વ્યક્તિઓએ હોશભેર પ્રથમ ડોઝ લીધો છે અને કુલ 1,30,726 વ્યક્તિઓએ બીજો ડોઝ લઈને સંપૂર્ણ સુરક્ષા કવચ હાંસલ કરેલ છે. કોવિડ રસીકરણ અભિયાનમાં મોરબી જિલ્લાના કુલ 28 ગામોના નાગરીકોએ ગર્વભેર પ્રથમ ડોઝ લઈને તેમના ગામને પ્રથમ ડોઝમાં 100% રસીકરણ યુક્ત બનાવેલ છે. આ સિધ્ધી હાંસલ કરવા માટે મોરબી જિલ્લાના તમામ જાગૃત નાગરીકો, સેવાભાવી સંસ્થાઓ, લોક આગેવાનો, ધાર્મિક આગેવાનો, પત્રકાર મિત્રો, અધિકારી, પદાધિકારી, તમામનો અમુલ્ય ફાળો રહેલ છે તેમજ રાત દિવસ મોરબી જિલ્લાને 100% કોરોના રસીકરણથી રક્ષિત કરવા માટે અથાગ મહેનત કરતા તમામ આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરીયર્સ તથા આશા બહેનો અને આશા ફેસીલીટેટર બહેનોનું વિશેષ યોગદાન રહેલ છે. તેવા તમામનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા અને જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. વિપુલ કારોલીયા આરોગ્ય શાખા વતી અભિનંદન આપે છે. તથા વિશેષ આભાર પ્રકટ કરે છે. અંતમાં મોરબી જિલ્લાના કોવિડ રસીકરણમાં બાકી રહેતા તમામ નાગરીકો હોશભેર નિશ્ચિત થઈને ઝડપથી કોવિડ રસીકરણ કરાવીને આ મહા અભિયાનમાં સહભાગી થવા અને સમગ્ર મોરબી જિલ્લાને કોરોના રસીકરણમાં 100% સિધ્ધી અપાવે તે માટે મોરબી જિલ્લાનાં તમામ લોકોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા અને જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. વિપુલ કારોલીયાએ અપીલ પણ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..