જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત-મામલતદારને સજ્જ રહેવા આદેશ આપ્યો વેક્સિનેશનમાં બી.એલ.ઓ પણ જોડાશે મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝડપ વધારવા આગામી તા. 21 જૂનથી 30 જૂન દરમિયાન તમામ મતદાન મથકો ઉપર નાગરિકોનું કોરોના વેક્સિનેશન કરવા ઝુંબેશરૂપી કામગીરી કરવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત અધિકારી અને મામલતદારને સજ્જ રહેવા આદેશ કરી બુથ લેવલ ઓફિસરોને કામગીરીમાં જોડવા આદેશ આપ્યો છે. મોરબી જિલ્લામાં હાલમાં દરરોજ 4000થી 4500 જેટલા નાગરિકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ 45 વર્ષ ઉપરના અને 18થી 44 વર્ષના નાગરિકોનું ઝડપભેર વેક્સિનેશન થાય તે માટે સરકારના આદેશ અન્વયે જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત અધિકારી અને મામલતદારોને તા.21 થી 30 જૂન દરમિયાન તમામ મતદાન મથકો ઉપર રસીકરણ કાર્યક્રમ માટે સજ્જ રહેવા જણાવી આવતીકાલે આ મામલે તમામ બુથ લેવલ ઓફિસરો સાથે બેઠક યોજવા આદેશ કર્યો છે. દરમિયાન તમામ મતદાન મથકો ઉપર કોરોના રસીકરણ ઝુંબેશ માટે પૂરતો વેક્સિનનો જથ્થો છે કે કેમ તેમજ આરોગ્ય વિભાગ રસીકરણ માટે પૂરતો સ્ટાફ ફાળવી શકશે કે કેમ તે અંગે જિલ્લા વેક્સિનેશન અધિકારીનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, આ માટે આજે રાજ્ય લેવલે વિડીયો કોન્ફ્રન્સ યોજવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.