હોમ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના હાથ ઉપર સિક્કો લગાવાશે અને ઘરની બહાર વિગતો દર્શાવતું સ્ટીકર લગાવાશે, જેથી લોકો સાવચેત રહે : આરોગ્ય અધિકારી આરોગ્ય વિભાગ સોમવારથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરશે : કોરોના અંગે જાગૃતિ ફેલાવવા ત્રણ સંસ્થાઓએ પણ લીધી જવાબદારી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર પુરજોશમાં પગલાં લઈ રહ્યું છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 189 લોકોને હોમ ક્વોરોન્ટાઇનમાં રાખ્યા હતા. જેમાંથી 126 લોકોનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. ઉપરાંત આરોગ્ય વિભાગ હોમ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના હાથ ઉપર સિક્કો તેમજ તેમના ઘરની બહાર સ્ટીકર લગાવવાનું નક્કી કર્યું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ કોરોના સામે પહોંચી વળવા હાથ ધરેલી કાર્યવાહી વિશે વિગતો આપતા આરોગ્ય અધિકારી ડો.કતિરાએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય તંત્રને 189 પ્રવાસીઓની વિગતો મળી હતી. જેમાંથી 19 લોકો વિદેશથી આવેલા હતા. આ તમામને હોમ ક્વોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાંથી 126 લોકોનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. રાજકોટના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા 13 લોકોનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો હોય સાંજે તેઓને ક્વોરોન્ટાઇન પીરીયડમાંથી મુક્ત કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં આરોગ્ય અધિકારી ડો. કતીરાએ જણાવ્યું કે જે લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. તેઓ લોકોને હાથ ઉપર સિક્કો લગાવવામાં આવે છે. ઉપરાંત તેઓના ઘરની બહાર તમામ વિગતો દર્શાવતું સ્ટીકર પણ લગાવવામાં આવે છે. જેથી લોકો સ્ટીકર જોઈને સાવધ રહે. વધુમાં તેઓએ ઉમેર્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલની સાથોસાથ મોરબીની ત્રણ ખાનગી હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાય તે માટે 35 હજાર પત્રિકાઓ તૈયાર કરવામાં આવી છે. બેનર- હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. સાથોસાથ તમામ સરકારી કચેરીઓમાં ઇન્ફ્રારેડ થર્મોમીટર વડે તપાસણી પણ શરૂ કરવામાં આવી છે. વધુમાં ત્રણ સંસ્થાઓએ આગળ આવીને કોરોના અંગે જાગૃતિ ફેલાવવાની જવાબદારી લીધી છે. જેમાં નવજીવન ટ્રસ્ટ મોરબી શહેર વિસ્તારમાં, અનમોલ ટ્રસ્ટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમજ આણંદિ સેવા માળીયા વિસ્તારમાં જાગૃતિ ફેલાવશે. વધુમાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર આવતીકાલે સોમવારથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરશે. જેમાં આરોગ્ય કર્મચારીઓની સાથે આંગણવાડી બહેનો અને આશાવર્કરો પણ જોડાશે. શિક્ષકોએ પણ આ કામગીરીમાં સહયોગ આપવાનું જણાવ્યું છે.