મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ ઇન્ડસ્ટ્રીઝ બનશે જે પોતાના 18 હજારથી વધુ કર્મચારીઓના આરોગ્યને ધ્યાને રાખીને સ્વયંભૂ બંધ રહેશે મોરબી : સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે મોરબીમાં પણ કોરોનાને લઈને ઉદ્યોગકારો જાગૃતતા બતાવી રહ્યા છે. જેમાં ક્લોક ઇન્ડસ્ટ્રીઝે તો આગામી તા.22થી 30મી માર્ચ સુધી બંધ પાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય લેનારી મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં પ્રથમ ઇન્ડસ્ટ્રીઝ બની છે. કોરોનાના કહેર વચ્ચે મેગા સિટીમાં હાલ તો ઓનલાઇન વર્ક સાથે સંકળાયેલી ઘણી ઇન્ડસ્ટ્રીઝે વર્ક ફ્રોમ હોમની પોલિસી અપનાવીને પોતાના કર્મચારીઓને ઘેર બેઠા જ વર્ક કરવાની છૂટ આપી છે. જ્યારે પ્રોડક્શન થતું હોય તેવા એકમોમાં તો એકમના નુકસાનને ધ્યાને રાખીને આવો નિર્ણય લેવો જોખમી ગણી શકાય. તેમ છતાં મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીઝે આગામી તા. 22થી 30મી સુધી બંધનું એલાન આપ્યું છે. આ દિવસો દરમિયાન તમામ કલોકના કારખાનાઓ બંધ રહેશે. મોરબીમાં કલોકના નાનાથી લઈને વિશાળકાય 165 જેટલા કારખાનાઓ છે. જેમાં 18 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓના આરોગ્યને ધ્યાને રાખીને મોરબી ક્લોક એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગે મોરબી ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે આ પગલું સ્લામતિ માટે તથા સરકારને મદદરૂપ થવાના આશયથી સ્વૈચ્છિક રીતે લઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત તા.22ના રોજ જનતા કરફ્યુનું આહવાન આપ્યું છે પણ અગમચેતીના ભાગ રૂપે અમે 9 દિવસ ઇન્ડસ્ટ્રીઝ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.