60 વર્ષીય મહિલા મુંબઈથી આવ્યા હતા : ફરી કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય તંત્રમાં દોડધામ મોરબી : લોકડાઉન-4 નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા મોરબીમાં આજે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે.જેમાં મુંબઈથી આવેલા વૃધ્ધાને કોરોના પોઝીટિવ આવ્યો છે.મોરબીમાં ફરી કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય હરકતમાં આવ્યું છે અને આ અંગે સઘન કામગીરી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં અગાઉ મોરબી શહેર અને વાંકાનેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. જો કે આ બન્ને દર્દીઓ રિકવર થઈ જતા તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી. આમ મોરબીમાં કોરોનાનો હાલ એક પણ એક્ટિવ કેસ ન હતો. પરંતુ આજરોજ એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મુંબઈથી આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે આ વૃધ્ધા કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક શંકાસ્પદ દર્દી નોંધાયો હતો. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે બાકીના 125 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે.