કોરોનાએ જિલ્લામાં અત્યાર સુધીમાં 5 લોકોની જિંદગી હણી મોરબી : મોરબીમાં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. જેમાં આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાગ્રસ્ત 60 વર્ષીય વૃધ્ધાએ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ અત્યાર સુધીમાં કોરોનાથી થયેલ મૃત્યુનો આંક 5 એ પહોંચ્યો છે. મોરબીમાં કોરોનાના કેસની સાથે કોરનાના કારણે દર્દીઓના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારે શહેરના નહેરૂગેટ વિસ્તારમાં આવેલી સરગીયા શેરીમાં રહેતા 48 વર્ષીય રમણિકભાઈ પિત્રોડાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ આજે સાંજે કોરોના ફરી વધુ એક દર્દીને ભરખી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જ આઇસોલશન વોર્ડમાં સારવાર લઈ રહેલા માધાપર વિસ્તારના કોરોનાગ્રસ્ત લીલાવંતીબેન સવજીભાઈ પરમાર (ઉ.60)નું મોત નીપજ્યું છે. તેઓને ગત તા. 3 જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃધ્ધા કોરોના ઉપરાંત હાઇપર ટેન્શન, ડાયાબિટીસ તેમજ શ્વાસની બીમારી થી પીડિત હતા. તેવામાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થતા આ વાયરસ તેઓ માટે કાળ બન્યો હતો. અને આજ રોજ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આજના દિવસમાં મોરબી જિલ્લામાં બે મોત થયા છે. અને અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 5 થઈ ગયો છે.