એપ્રિલમાં કોરોના તાંડવ સમયે 860 અને મે મહિનામાં 1934 લોકોએ કોરોના હરાવ્યો : એપ્રિલમાં 56 અને મે મહિનામાં 12 સત્તાવાર કોવિડ ડેથ મોરબી : એપ્રિલ મહિનામાં કોરોનાએ મોરબી જિલ્લામાં હાહાકાર મચાવ્યા બાદ હાલમાં કોરોનાના ગણ્યા-ગાંઠ્યા જ કેસ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે માહિનાના સરકારી આંકડા જોઈએ તો એપ્રિલમાં કોરોનાના પીક સમય અને હજારો કેસની વચ્ચે આરોગ્ય વિભાગ માત્ર કહેવા ખાતર કેસો બતાવતું હતું તેમ એપ્રિલમાં 1558 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જ્યારે મે મહિનામાં તંત્રને બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ સાચા આંકડા બતાવવાનું શરૂ કરવા છતાં મે મહિનામાં એપ્રિલ કરતા ઓછા કેસ એટલે કે 1284 સરકારી ચોપડે નોંધાયા છે. એપ્રિલમાં નવા કેસની સામે ડિસ્ચાર્જ ઓછા હતાં, જ્યારે મે મહિનામાં નવા કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે. આ ઉપરાંત, મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તો કોરોના હાંફી રહેતા પોઝિટિવ કેસનો દૈનિક આંકડો સિંગલ ડીઝીટમાં આવી ગયો છે. વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર મોરબી જિલ્લા માટે ઘાતક સાબિત થઇ હતી અને સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલ તેમજ સંસ્થાકીય કોરોના કેર સેન્ટર પણ ટૂંકા પડ્યા હતા. ત્યારે સરકારી ચોપડે નોંધાયેલ પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો એપ્રિલ માસમાં મોરબી જિલ્લામાં 1558 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 860 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જયારે સરકારી ચોપડે 56 લોકોના મૃત્યુ દર્શાવવામાં આવ્યા હતા. જો કે આ આંકડા વાસ્તવિકતાથી જોજનો દૂર હતા. બીજી તરફ મે માસ દરમિયાન પણ કોરોના મહામારી લોકો ઉપર હાવી રહી હોવાનું સરકારી આંકડા ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે. જો કે એપ્રિલ માસની તુલનાએ સરકારી તંત્રે મે માસ દરમિયાન કોરોનાની વાસ્તવિક સ્થિતિથી નજીક કેસ બતાવ્યા હતા. મે માસ દરમિયાન મોરબી જિલ્લામાં 1284 નવા પોઝિટિવ કેસ સામે 1934 લોકો સાજા થયા હતા અને 12 લોકોના કોરોનાથી મૃત્યુ નિપજ્યાનું સરકારી ચોપડે જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે મેં મહિનાના શરૂઆતના 15 દિવસમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધ્યા બાદ ક્રમશઃ સંક્ર્મણ ઘટતું ગયું હતું અને છેલ્લા એક અઠવાડિયામાં તો મોરબી જિલ્લામા કોરોના પોઝિટિવ કેસ તળિયે પહોંચી ગયા હતા. જેમાં તા. 25ના રોજ 10, 26ના રોજ 11, 27ના રોજ 9, 28ના રોજ 6, 29ના રોજ 3, 30ના રોજ 2 અને ગઈકાલે 31ના રોજ જિલ્લામાં માત્ર એક જ પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.