દર્દીના અન્ય એક પર્સનલ નંબરના લોકેશનના આધારે થયો ઘટસ્ફોટ : ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ ગુનો દાખલ કરવો કે કેમ તે અંગે હવે નિર્ણય લેવાશે મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીએ અત્યાર સુધી ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હોવાનું સામે આવ્યું છે. આ દર્દી રાજકોટથી બસમાં પ્રવાસની એક ટુરમાં દિલ્હી, રાજસ્થાન અને યુપી અને હરિદ્વારના પ્રવાસે ગયા હોવાનું તેના અન્ય એક પર્સનલ નંબરના લોકેશનના આધારે તંત્રને જાણવા મળ્યું છે. ત્યારે આ દર્દી સામે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ ગુનો દાખલ કરવો કે કેમ તે અંગે હવે નિર્ણય લેવાશે. મોરબીના ઉમા ટાઉનશીપમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા એક 52 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી છે. આ કોરોનાગ્રસ્ત દર્દીને ચેપ લાગ્યો ક્યાંથી તે શોધવા તંત્રએ ગઈકાલ રાતથી કવાયત હાથ ધરી હતી. અંતે તંત્રને તેમાં સફળતા મળી છે. તંત્ર દ્વારા આ દર્દીનો અન્ય એક પ્રાઇવેટ નંબર જે જાહેર કરવામાં આવ્યો ન હતો. તેનું ટ્રેસિંગ હાથ ધરીને વિગતો મેળવવામાં આવી હતી. જેમાં આ દર્દી રાજકોટની અક્ષર ટ્રાવેલ્સમાં બસમાં પ્રવાસ ટુરમાં 13 માર્ચે રાજકોટથી દિલ્હી,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ અને હરિદ્વાર ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ દર્દી 40 થી 45 લોકો સાથે ટુરમાં ગયા હતા. જ્યાંથી તે ગત તા. 21 માર્ચના રોજ રાજકોટ આવ્યા હતા. બાદમાં ત્યાં જ તેમના સબંધીના ઘરે બે દિવસ રોકાઈને તા. 23 માર્ચના રોજ તે મોરબી આવ્યા હતા. જો કે અત્યાર સુધી દર્દીએ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુંપાવી રાખી હોય તેઓની સામે ગુનો દાખલ કરવો કે નહીં તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. મોરબીના કોરોનાગ્રસ્ત આધેડની વિગતવાર ટ્રાવેલ હિસ્ટ્રી 13 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે અક્ષર ટ્રાવેલ્સ- રાજકોટની ટુરમાં ગયા હતા. જ્યાંથી તેઓ વહેલી સવારે 4 વાગ્યે રાજસ્થાન થઈને તા.14 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી તા.15 માર્ચના રોજ રાત્રે 10:30 કલાકે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ્યા હતા. જ્યાંથી હરિદ્વાર, મસૂરી સહિતના વિવિધ સ્થળોએ ફર્યા હતા. તા.21 માર્ચના રોજ વહેલી સવારે 7 વાગ્યે તેઓ રાજસ્થાન પરત ફર્યા હતા. તા.21 માર્ચના રોજ રાત્રે 9 કલાકે રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તા.21 અને 22 માર્ચના રોજ તેમના સબંધીને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં તા.23 માર્ચના રોજ સવારે 10 કલાકે તેઓ મોરબી પરત ફર્યા હતા. અને બાદમાં તબિયત ખરાબ થતા 27 માર્ચે અને 3 એપ્રિલે રાજકોટ કરણપરામાં આવેલી શિવ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.