દર્દીના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને પણ ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડાયા મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી તેઓને તકેદારીના ભાગરૂપે ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડાયા છે. વધુમાં દર્દીને નિદાન માટે રાજકોટ લઈ જનાર ટેક્ષી ડ્રાઇવરને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. મોરબીમાં ઉમા ટાઉનશીપના ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હાલ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીના પત્નીનું સેમ્પલ લઈને રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરાંત તેઓને ઘુટુમાં આવેલ પોલીટેક્નિક કોલેજ ખાતેના ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. વધુમાં કોરોનાગ્રસ્ત દર્દી બે વખત શરદી, તાવ અને ઉધરસનું નિદાન કરાવવા માટે રાજકોટના કરણપરામાં આવેલ શિવ હોસ્પિટલમાં ટેક્ષી ભાડે કરીને ગયા હતા. આ ટેક્ષીનો ડ્રાઇવર જે વાવડી રોડ ઉપર રહે છે. તેને પણ તંત્ર દ્વારા પોલીટેક્નિક કોલેજ ખાતેના ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.