તસ્કરોએ એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનને નિશાન બનાવી નિરાંતે ચોરી કરીમોરબી : મોરબીના ઘુટુ નજીક આવેલ આઈટીઆઈ પાછળ એસી અને ફ્રીઝ રિપેરિંગની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ લોખંડની બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કરી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિમત રૂપિયા ૧.૮૦ લાખની ચોરીને અંજામ આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને ઘુટુ આઈટીઆઈ પાછળ ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાન ધરાવતા કૌશીકભાઈ ત્રીભોવનભાઈ પટેલે તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.૨૨ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા. ત્યારબાદ બે દિવસ બાદ તા.૨૫/૦૮ના રોજ દુકાને પહોંચતા પાછળની લોખંડની બારીના સળિયા તૂટેલા જોવા મળ્યા હતા. જેમાં તસ્કરોએ બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા નવા કોપર વાયરના ફીંડલા તથા કામમાં ઉપયોગમાં લેવાતા નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિમત રૂપિયા ૧,૮૦,૦૦૦ ચોરી કરી ગયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે કૌશિકભાઈની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.