આગામી તા.10એ શહેરના વધુ 12 વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે, એકાદ મહિનામાં એક બ્રિજ ખુલ્લો મુકાઈ જશે, ટ્રાફિક જવાનોની સંખ્યા વધારાશે : ધારાસભ્યમોરબી : મોરબીમાં આજે એક જ દિવસમાં ત્રણ વિભાગો મહાપાલિકા, જિલ્લા કલેકટર અને પોલીસની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અને દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકો અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે પોલીસની સંકલન બેઠકમાં કાયદો વ્યવસ્થા જળવાઈ અને લોકોને તકલીફ ન પડે તે માટે ચર્ચા કરાઈ હતી. મોરબીના નવા એસપીએ પ્રજાને ક્યાંય તકલીફ ન પડે અને કડક હાથે કામ લેવાની ખાતરી આપી છે. ટ્રાફિક મુદ્દે પણ ચર્ચા થઈ છે. જેમાં ટ્રાફિક જવાનોની સંખ્યા વધારવાનું કહેવામાં આવ્યું છે. રિંગ રોડ અંગે ચર્ચા થઈ છે. એકાદ મહિનામાં એક બ્રિજ શરૂ કરી દેવામાં આવશે. બીજા બ્રિજને એક વર્ષ જેવું થશે. કલેકટર કચેરીએ આયોજિત જિલ્લા સંકલન બેઠકમાં કામોના રિવ્યુ લેવામાં આવ્યા હતા. ક્યાંય નબળા કામ ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય સેવા સઘન બનાવવા અને સરકારી યોજનાનો લોકોને વધુમાં વધુ લાભ મળે તે અંગે ચર્ચા થઈ હતી. મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. મોરબીમાં દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. આવતી તા.10એ વધુ 12 કામો શરૂ કરવામાં આવશે. મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તથા નવા ભળેલા ગામોમાં પણ મહિને એક-બે કામો શરૂ થાય તેવા પ્રયાસો છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે નવા ભળેલા વિસ્તારોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વીસીપરા- રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. રોડના પેચવર્ક અને ડ્રેનેજની બાકી ફરીયાદોનો તાત્કાલિક નિવેડો આવે તેવી સૂચના અપાઈ છે.