સરપંચ કહે છે મંદિરના રસ્તા માટે કામ ચાલુ હતું અને ખનીજ ચોરીનો કેસ કરાયો : ખાણ ખનીજ વિભાગ કહે છે કૃષિ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી કરાઈ મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ નજીક આવેલ ખાખરાવાડી માતાજીના મંદિરે જવાનો રસ્તો રીપેર કરવાની કામગીરી દરમિયાન ખાણખનીજ વિભાગે એક હિટાચી સહિતના ત્રણ વાહનોને ખનીજ ચોરી મામલે ઝડપી લેતા વિવાદ સર્જાયો છે, ખાણખનીજ વિભાગની કાર્યવાહી બાદ પંચાયતના સરપંચે સાંસદને લેખિત રજુઆત કરી ખાણખનીજ વિભાગે મનઘડંત કાર્યવાહી કર્યાનો આરોપ લગાવ્યો છે તો સામાપક્ષે ખાણખનીજ અધિકારીએ કૃષિ વિભાગના અધિકારીની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.ગોરખીજડિયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ રાજકોટના સાંસદને લેખિત રજુઆત કરી ગોરખીજડીયા ગામ નજીક આવેલ ખાખરાવાડી માતાજીના મંદિરે જવાનો રસ્તો રીપેર કરવાની કામગીરી દરમિયાન ખાણખનીજ વિભાગે એક હિટાચી સહિતના ત્રણ વાહનો ખોટી રીતે પકડી પાડી ખનીજચોરીનો કેસ કર્યો હોવાનું જણાવી ખાણખનીજ વિભાગને પંચાયતના લેટરપેડ ઉપર મંજૂરીના કાગળો દેખાડવા છતાં ખોટી રીતે દંડનીય કાર્યવાહી કરી હોવાની રજુઆત કરી હતી.બીજી તરફ બનાવ અંગે મોરબી ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ સરકારી કે ખાનગી કામ કરવા મેઈ માટી મોરમની જરૂર પડે તો નિયમ મુજબ મંજૂરી લઇ ખનીજ માટી કાઢવાની નિયત રકમ સરકારને ચુકવવાની હોય છે, સરકારની સુજલામ સુફલામ જેવી યોજનામાં પણ આ નિયમો લાગુ પડે છે ત્યારે ગોરખીજડિયાના કિસ્સામાં કોઈ મંજૂરી લેવામાં ન આવી હોવાનું તેમજ કૃષિ વિભાગના અધિકારીની ફરિયાદને પગલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ કરી નિયમ મુજબ દંડ ભરપાઈ થયે વાહનો છોડવામાં આવશે તેમ જણાવ્યું હતું.