મુનનગર પાસેની ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓનો બાજુની સોસાયટીના લોકોએ પાણી આપવામાં અવરોધ કર્યાનો આરોપ, સામેની સોસાયટીના લોકોએ પાણીનો વાલ્વ રીપેર ન કરવા દઈને હાથાપાઇ ઉપર ઉતરી આવી પૂર્વ કાઉન્સિલરને માર માર્યાની ઘટનામાં પોલીસે મામલો થાળે પાડ્યોમોરબી : મોરબીના મુનનગર ચોકમાં આવેલી ઋષભ પાર્ક સોસાયટી અને તેમની સામેની સોસાયટી વચ્ચે પાણી મુદ્દે ભારે બબાલ થઈ હતી. જેમાં સામેની સોસાયટીના લોકોએ ઋષભ પાર્ક સોસાયટીને પાણી આપવા માટે અવરોધ કરી પાણીનો વાલ્વ રીપેર ન કરવા દઈ રીતસર હાથાપાઈ ઉપર ઉતરી આવી પૂર્વ કાઉન્સિલરને માર મારતા બન્ને સોસાયટીના લોકો સામસામે આવીને હાકલા પડકારા કરતા અંતે પોલીસે દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો.મોરબીના મૂનનગર ચોક ઉપર આવેલી ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓએ મોરબી નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને આ સોસાયટીના લોકો છેલ્લા બે વર્ષથી પાણીની હાડમારીનો સામનો કરી રહ્યાનો બળાપો ઠાલવ્યો હતો. જો કે તેમની સોસાયટીમાં પાણી ન પહોંચે તે માટે તેમની સામેની ધર્મભૂમિ સોસાયટીની મહિલાઓ આડોડાઈ કરીને અવરોધ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે આ પાણી પ્રશ્ને તેઓ વારંવાર નગરપાલિકા તંત્ર અને કાઉન્સિલરને રજુઆતો કરતા અને બે વર્ષથી બોરનું પાણી પીવું પડતું હોય ઉપરથી ક્યારેક પાણી આવતું હોય પણ પાણી ધીમું આવતું હોવાથી પાણી પૂરું પડતું ન હોવાની વચ્ચે છેલ્લા દસ દિવસથી એકપણ પાણીનું ટીપું આવતું ન હોવાની હૈયાવરાળ ઠાલવતા અંતે નગરપાલિકા તંત્રએ આ સોસાયટીમાં આવેલ પાણીનો વાલ્વ રીપેર કરવા માટે ખોદકામ કરતા આ સોસાયટીની મહિલાઓ હલ્લાબોલ કરીને બળજબરીથી આ કામ બંધ કરાવ્યું હતું.ધર્મભૂમિ સોસાયટીની મહિલાઓની આવી જોહુકમીને કારણે ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓ પૂર્વ કાઉન્સિલર સાથે તે સોસાયટીમાં રજુઆત કરવા જતાં ઉગ્ર બોલાચાલી થવાથી મામલો તંગ બની ગયો હતો અને હથાપાઈ ઉપર ઉતરી આવી એક જેસીબી ધરાવતા વ્યક્તિએ પૂર્વ કાઉન્સિલરને માર મારતા બન્ને સોસાયટીના લોકો આમને સામને આવી જતા આ બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બન્ને સોસાયટીના લોકોને સમજાવીને ટોળા વિખેરી દેતા હાલ પૂરતો આ મામલો શાંત પડ્યો હતો. પણ ઋષભ પાર્ક સોસાયના લોકોએ આ બનાવ અંગે અરજી કરી હતી. પાણી પ્રશ્ન યથાવત રહેતા મહિલાઓએ પાલિકામાં અધિકારીઓ હાજર ન હોવાથી હેડ ક્લાર્કને રજુઆત કરતા તંત્રએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.