ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાના ભાગોળે ડેમી નદીના કિનારે જબલપુર પાટીયા પાસે આવેલા સનાતન આશ્રમ ધુનાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે અનેક જગ્યાના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 30 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી ધુનાવાળી ખોડીયાર માતાજીના મંદિરે મહંત સંતસેવકદાસજી મહારાજ અને પૂજારી રાઘવેન્દ્રદાસજીની ઉપસ્થિતિમાં સંકિર્તન મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ વિવિધ ગામના સેવકગણો દ્વારા રામધૂન કરવામાં આવી રહી છે. જેમાં ત્રીજા દિવસે આજુબાજુના જગ્યાના મહંતો, સાધુ સંતો અને સેવકગણોએ પધરામણી કરી હતી. ચૈત્રી નવરાત્રિમાં અખંડ રામધૂન દરમિયાન બપોરે 11 કલાકે અને રાત્રે 8 કલાકે ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ રામધૂનમાં પધારવા માટે જબલપુર, ટંકારા, હરિપર, હરબટીયાળી, જીવાપર, કલ્યાણપુર, વાઘગઢ, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, હીરાપર વગેરે ગામ સમસ્ત તથા ભક્તજનો દ્વારા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.