ઉનાળાના પ્રારંભે જ દૂષિત પાણી મળવાની વ્યાપક ફરિયાદો મોરબી : મોરબી શહેરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે તેવા સમયે જ શહેરમાં નળ વાટે દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હોય લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે અને ગંદા પાણીને લઈને ફરિયાદો શરૂ થઈ છે. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગઈકાલથી પીળા રંગનું ગંદુ પાણી વિતરણ કરાયા બાદ પાલિકા વોર્ડ નંબર 5માં છેલ્લા એક સપ્તાહથી દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. વિશીપરા વિસ્તારમાં પણ પીળા કલરનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે. પીવા માટે તો બહુ દુરની વાત છે વાપરવા માટે પણ બિનઉપયોગી પાણીથી આ વિસ્તારમાં ગંભીર રોગચાળાની ભીતિ ઉભી છે. સ્થાનિકોના અનુમાન અનુસાર પીવાના પાણીની તૂટેલી પાઇપલાઇન સાથે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી કોઈપણ જગ્યાએ ભળી જાય છે. આ અંગે સત્વરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.