દેશભરમાં હવે સસ્તા દરે ટ્રકને બદલે રેલવે મારફતે ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ મોકલી શકાશે : ભારત સરકારની કોનકોર કંપનીએ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ કરવા અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગના માલ પરિવહનને સરળ બનાવવા માટે ભારત સરકારના કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોનકોર) દ્વારા મોરબીના રફાળેશ્વર ખાતેથી 1 ઓગસ્ટથી કન્ટેનર ડેપો શરૂ કરવામાં આવી રહ્યો છે. સિરામિક ક્લસ્ટરની નજીક જ કન્ટેનર ડેપો શરૂ થવાથી હવે સિરામિક પ્રોડક્ટ રેલવે મારફતે આ કન્ટેનર થકી સુરક્ષિત રીતે દેશભરમાં પહોંચી શકશે. કન્ટેનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય સ્વરૂપે મોરબીના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી જાહેર કર્યું હતું કે, મોરબીના રફાળેશ્વર ખાતે ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યું હોવાનું જાહેર કરી જણાવ્યું હતું કે,નવું ફ્લેગશિપ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ટર્મિનલ મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ માટે પરિવહન ખર્ચ ઘટાડવા અને સમયબચત માટે મજબૂત વિકલ્પરૂપ સાબિત થશે.રફાળેશ્વર ટર્મિનલ મોરબીના ટાઇલ્સ અને સંલગ્ન ઉદ્યોગોને લોજીસ્ટીક્સ સંબંધી સેવાઓ આપશે. આ ટર્મિનલ ખાતેથી રેલ મારફત પરિવહન સેવાઓ આપવામાં આવશે જેને પગલે મોરબીમાં હેવી ટ્રકનો ટ્રાફિક ઘટશે, સાથે જ પ્રદુષણમાં ઘટાડો થશે અને ઉદ્યોગકારોનો ભાડા ખર્ચ પણ ઘટશે.ભારત સરકારના સાહસ એવા કોનકોર દ્વારા મોરબી ખાતેથી ભારતભરમાં 68 ટર્મિનલમાં 55,000 થી વધુ કન્ટેનર, 400થી વધુ રેક અને એલએનજી ટ્રેઇલર્સના મજબૂત નેટવર્કથી જોડાયેલ હોય જેનો સીધો જ ફાયદો મોરબીને મળશે. આ કાર્યક્રમમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ હરીશ બોપલિયા CAPEXILના નિલેશ જેતપરિયાએ હાજર રહ્યા હતા અને નિલેશભાઈએ ટર્મિનલ માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “મોરબી, ઇટાલી કરતા શ્રેષ્ઠ અને ચીન કરતા સસ્તા ઉત્પાદનો પૂરાં પાડવા સક્ષમ છે.કોનકોરના ડિરેક્ટર રવિ ચતુર્વેદીએ મોરબીની ઔદ્યોગિક મહત્ત્વતાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે ટર્મિનલની ભુમિકા વિશે ચર્ચા કરી રફાળેશ્વર ટર્મિનલને PAN-India નેટવર્ક સાથે જોડવા તથા એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ સુવિધાઓ માટેની ખાતરી આપી હતી. ટ્રક ભાડાની તુલનાએ ફાયદો, ડેમેજ અટકશે : હરેશ બોપલીયા મોરબી ખાતેથી આગામી 1લી ઓગસ્ટથી કોનકોર ગતિશક્તિ ટર્મિનલનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, કન્ટેનર ડેપો શરૂ થવાથી સૌથી મોટો ફાયદો સીરામીક ઉદ્યોગને મળવાની સાથે મોરબી જિલ્લાને પણ મળશે, હાલમાં મોરબીમાં દૈનિક 4000થી 5000 ટ્રકની આવનજાવન સામે કન્ટેનર ડેપો શરૂ થતા હેવી ટ્રાફિક ઘટવાથી પ્રદુષણ ઘટશે અને ટ્રાફિક પણ ઘટશે. સાથે જ ઉદ્યોગકારોનો માલ સલામત અને ડેમેજ થયા વગર ભારતભરમાં ગંતવ્ય સ્થળે પહોંચી શકશે.ટૂંક સમયમાં એક્સપોર્ટ માટેના કન્ટેનરની સેવા પણ શરૂ મોરબીના રફાળેશ્વર ખાતે કોનકોર ગતિશક્તિ ટર્મિનલ શરૂ થવાથી હાલમાં ડોમેસ્ટિક કન્ટેનરની સુવિધા મળશે અને આગળ જતા મોરબીથી વિદેશમાં નિકાસ થતા કન્ટેનરની સેવા પણ શરૂ થનાર હોવાનું સીરામીક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું. સીરામીક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, કન્ટેનર ટર્મિનલ ખાતે કસ્ટમ ક્લિયરન્સ શરૂ થયા બાદ એક્સપોર્ટ માટે પોર્ટ સુધી કન્ટેનર પહોચાડવાને બદલે મોરબી ખાતેથી જ આ સેવાઓ પણ મળી શકશે.આ ટર્મિનલમાં 5000 કન્ટેનર ઉપલબ્ધ હશેમોરબી ખાતેથી આગામી તા.1લી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલા કોનકોર ગતિશક્તિ ટર્મિનલ ખાતેથી મોરબીના સીરામીક,પેપરમીલ અને અન્ય ઉદ્યોગકારો દેશભરમાં પોતાનો માલ મોકલી શકશે, અહીં કોનકોર દ્વારા 5000 કન્ટેનર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને કન્ટેનર ડેપો ખાતે ઉદ્યોગકારો પોતાના કન્ટેનર મોકલી દેશભરમાં પરિવહન સેવાનો લઇ શકશે તેમજ જરૂરત મુજબ ઉદ્યોગકારો પોતાનો માલ કન્ટેનર ડેપો સુધી મોકલી ટર્મિનલ ખાતે પણ પોતાનો માલ પેક કરી શકશે તેવી સુવિધા આપવામાં આવનાર હોવાનું રફાળેશ્વર ટર્મિનલના સંચાલક રિતેશ માલવિયાએ જણાવી ટર્મિનલ સંબંધિત સેવાઓ, સંચાલન તેમજ અન્ય કોઈપણ પૂછપરછ માટે તેમના મોબાઇલ-97550 99684 પર સંપર્ક કરી શકાશે.