સહકારી મંડળીની બેદરકારીથી વ્યથીત ખેડૂતે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ લખાવી હતી વાંકાનેર : પહેલાના સમયમાં શાહુકારો ખેડૂતો પર અમાનુષી ત્રાસ આપી શોષણ કરતાં માટે લોકશાહીમાં ખેડૂતો પર શાહુકારોનો ત્રાસ દૂર કરવાં માટે સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી અને તેના પર સરકારી નિયંત્રણ મૂકવામાં આવ્યા. જેથી, ખેડૂતો શાહુકારોના ત્રાસમાંથી મુક્ત થાય અને શરાફી વ્યાજે ખેડૂતોની જરૂરિયાત પૂર્ણ થાય. પરંતુ જો ખેડૂતોની સહકારી મંડળીના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે તો ખેડૂત જાય ક્યાં? આવો જ એક બનાવ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે સામે આવ્યો છે. જેમાં ખેડૂતનો આક્ષેપ છે કે સહકારી મંડળીના સત્તાધીશો દ્વારા તેમના પ્રત્યે ભેદભાવ પૂર્ણ વ્યવહાર કરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ન્યાય મેળવવા માટે તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. અંતે, ગ્રાહક ફોરમે તેઓને ન્યાય આપેલ હતો. વાંકાનેરના પીપળીયારાજ ગામમાં બાર એકર જમીન ધરાવતો ખેત મજૂરી કરતો પરિવાર પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખેડૂત હૈયતભાઈ મામદભાઈ સેરસીયા ના લગ્ન થતા સંતાનમાં તેઓને છ દીકરી અને એક પુત્ર છે પરિવાર મોટો થતાં ઘરના ખર્ચા પણ વધ્યા તેમ છતાં તે સુખરૂપ પોતાનો પરિવાર ચલાવી રહ્યા હતા. ખેતીમાં આવક સીમિત હોય વધુ મહેનત કરવા માટે તેઓએ વર્ષ 1998 માં ટ્રેક્ટર ખરીદવા માટે પીપળીયારાજ જુથ સેવા સહકારી મંડળી લિ. માંથી રૂ. ૨,૮૫,૦૦૦ નું ધિરાણ મેળવેલ અને તેનો પ્રથમ હપ્તો રૂપિયા ૪૧ હજાર જમા કરાવી દીધેલ ત્યારબાદ રૂપિયા ૨,૪૩,૦૦૦ રકમ બાકી રહેલ. બાદ દુષ્કાળ અને ભૂકંપના કારણોસર ખેડૂત નિયમિત હપ્તા ભરી ન શક્યા તેમ છતાં કુદરતનો માર ખાતાં ખાતાં થોડા થોડા કરી વર્ષ ૨૦૦૭ સુધીમાં અંદાજિત રૂપિયા ત્રણ લાખની રકમ મંડળીમાં ચૂકવી આપેલ અને પોતે લીધેલ લોનના હપ્તા નિયમિત ન ભરી શકવાનો રંજ ખેડૂતના મનમાં હતો. વર્ષ ૨૦૦૮માં ખાતેદાર લોન ભરપાઈ કરી શકેલ ન હોય તેવા ખેડૂતો માટે “વન-ટાઇમ સેટલમેન્ટ” ની યોજના બહાર પડી હતી. આ યોજનામાં ખેડૂત બાકીદારોની રકમ મુદલથી વ્યાજ વધુ થતું હોય તો મુદલ જેટલું વ્યાજ લઈને ડબલ ઉપરની થતી રકમ મંડળીએ જતી કરી મુદલ અને વ્યાજ જેટલી વસુલાત લેવી. ત્યારે ગામના અન્ય બાકીદાર ખેડૂતોને મંડળીએ આ સ્કીમનો પુરો લાભ આપેલ અને અન્ય ત્રણ એવા ખેડૂતોને પણ આ સ્કીમ કરતાં વધુ લાભ આપેલ (જે મંડળી સંચાલકોના સગા હોવાને નાતે) તેઓને બોજા મુક્ત કરેલ પરંતુ આ ખેડૂત ખાતેદાર હૈયાતભાઈને તે સ્કીમના લાભથી વંચિત રાખવામાં આવેલ તેમ તેઓએ આક્ષેપ કરી ઘણી જગ્યાએ રજૂઆતો કરેલ પરંતુ મંડળી દ્વારા તેઓને સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું કે દેવા રાહતનો લાભ યોજનાની ગાઈડ લાઈન મુજબ તેમને મળવાપાત્ર થતો ન હોવાથી તેઓએ તેમની સંપૂર્ણ બાકી નીકળતી રકમ ચૂકવી આપવી. આમ સતત અરજીઓથી કોઈ નિવેડો ન આવતાં મંડળી સંચાલકોના ત્રાસથી ખેડૂત દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ન્યાયની આશાએ ફરિયાદ કરીને દાદ માંગી હતી કે ઠરાવ નંબર છ ની જોગવાઈ મુજબ ગણતરી કરીને તે મુજબનો ફરિયાદી ખેડૂતને લાભ આપવામાં આવે તેમજ તેમને થયેલ માનસિક દુઃખ/ત્રાસ બદલ વળતર પેટે રૂપિયા ૨૧ હજાર તથા ફરિયાદના ખર્ચ પેટે રૂપિયા પાંચ હજાર તેઓને મળવા દાદ માંગેલ. જેનો તાજેતરમાં ખેડૂત પ્રત્યે ચુકાદો આપી જણાવેલ કે સહકારી મંડળીએ ખેડૂતને દેવામાફી ની હકીકત લક્ષ પર લઈ તે મુજબની ગણતરી કરી ફરિયાદીને ૩૦ દિવસમાં લાભ આપવાનો તેમજ માનસિક દુઃખ ત્રાસ બદલ રૂપિયા ૨૦૦૦ તેમજ ફરિયાદીને થયેલ ખર્ચ રૂપિયા ૨૦૦૦ ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલ હતો.