મોરબી : મોરબી શહેર- જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના દ્વારા ફાયનાન્સ તથા અન્ય શ્રોફ કંપની ગરીબ અને શ્રમીકોને આપેલ લોનની રીકવરી ડબલ ઉપર કરતા હોય તેની કામગીરીમાં પારદર્શકતા લાવવા રિઝર્વ બેંકના કમિશનરને રજુઆત કરવામાં આવી છે. મોરબી શહેર- જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવાયું છે કે મોરબી જીલ્લામાં ઘણી બધી ફાયનાન્સ કંપનીની ઓફિસો આવેલ છે. જેની હેડ ઓફિસ બેંગલોર, ચેન્નઇ, કલકત્તામાં હોય છે. સૌરાષ્ટ્રની પ્રજા અંગ્રેજી ભણેલ હોતી નથી અને લોન માટેના તમામ કાગળો અંગ્રેજીમાં હોય છે. ગરીબ અને શ્રમજીવી લોકોને રીક્ષા-મોટર સાયકલ, મકાનની લોન લેવાની હોય છે. તેના એજન્ટો દ્વારા લોન આપતી વખતે ગ્રાહકને ઘણી બધી સગવડતા આપવામાં આવશે. મીઠી-મીઠી વાતો કરશે. લોન આપયા પછી છત્રીસ હપ્તાની વાત કરી હોય અને બાંસઠ હપ્તા કરે છે અને ત્રણ હપ્તા ન ભરાઇ તો ગાડી ખેંચી જાય છે અને ગ્રાહકને કોઇપણ નોટીસ આપ્યા વિના ગાડી પાણીના ભાવે વેચી નાખે છે. વેચી દીધા પછી પણ વ્યાજની રકમ ઉભી રહે છે. પેનલ્ટી-ચેક બાઉન્સની રકમ તેના નિયમ પ્રમાણે લેવામાં આવે છે. ખરેખર જો આના માટે રીર્ઝવ બેંકે નીયમ કરેલ હોય તો જાણ માટે મુકવા જોઇએ. આ લોકો ઉઘરાણી માટે પણ ગ્રાહકને જેમ ફાવે તેવા શબ્દો કહે છે. ઘેર જઇને પણ ગ્રાહકનું અપમાન થાય છે. રીકવરી કરનાર વ્યકિત પાસે કોઇ ઓળખ કાર્ડ હોતુ નથી. સરકાર શ્રમીકો અને બેરોજગારોને પગભર કરવા પ્રયત્ન કરે છે પણ આવી ફાયનાન્સ કંપની ગ્રાહકોને ગોઠણભેર કરી દયે છે. માટે ગરીબ શ્રમજીવી અને બેરોજગાર હેરાન ન થાય તે માટે આવી ફાયનાન્સ કંપનીનો વહીવટ પારદર્શક બનાવો તેવી અપેક્ષા છે.