આ મકાનો રેગ્યુલાઇઝ થાય તો આવાસ યોજનાના નવા મકાનો બનાવવાનો બોજ પણ ઘટશે: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી: મોરબીમાં મચ્છુ નદીના કિનારે તેમજ અન્ય વિસ્તારોમાં 25 થી 30 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારોના ઝુપડા અને કાચા-પાકા મકાનોને રેગ્યુલાઇઝ કરવા માટે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીમાં મચ્છુ નદીના કિનારે, વેજીટેબલ રોડ, ભીમસર, સાવજની પાછળ, પંચાસર રોડ અને લીલાપર રોડ જેવા વિસ્તારોમાં અનેક ગરીબ પરિવારો દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે. આ પરિવારો હાલ માનસિક ચિંતામાં જીવી રહ્યા છે કે તેમને ઘરવિહોણા કરવામાં આવશે. જે જગ્યાઓ સરકારને બહુ ઉપયોગી નથી, તેવા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનો રેગ્યુલાઇઝ કરી તેમને સનદ આપવી જોઈએ.વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ સુરતમાં પણ આ રીતે ઝુપડપટ્ટીઓ રેગ્યુલાઇઝ કરવામાં આવી હતી, તો તે જ ધોરણે મોરબીમાં પણ સર્વે કરી ગરીબ પરિવારોના આવાસનો પ્રશ્ન ઉકેલવો જોઈએ. જો આ મકાનો રેગ્યુલાઇઝ થાય તો આવાસ યોજનાના નવા મકાનો બનાવવાનો બોજ પણ સરકાર પર ઘટશે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #GujaratGovernment #SlumRegularization #ConsumerProtection #MorbiNews #CMGujarat