બાલાજી ટેક્નો પેક લિ.ને રૂ.૧૨.૬૨ લાખનું વળતર ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ મોરબી: મોરબીના કારખાનેદારના બાલાજી ટેક્નો પેક લિ. નામના એકમમાં આગ લાગ્યા બાદ વીમા કંપની વળતર ચૂકવતી ન હોય મામલો ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફિટકાર લગાવી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મીત આનંદભાઈ દેત્રોજાની ભાગીદારીની બાલાજી ટેક્નો પેક લિ.માં ૦૪/૦૧/૨૦૨૪ના રોજ આગ લાગતા ભારે નુકસાન થયું હતું. કંપનીનો વીમો એસ.બી.આઈ. જનરલ ઇન્સ્યોરન્સનો હતો. જોકે, વીમા કંપનીએ વિદ્યુત દબાણને કારણે આગ લાગી હોવાનું જણાવી 'રેપ્યુડ લેટર' દ્વારા ક્લેઇમ નામંજૂર કર્યો હતો. આથી, મીતભાઈ દેત્રોજાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.ગ્રાહક અદાલતે વીમા કંપનીનો નિર્ણય ભૂલભરેલો ગણીને, કંપનીની સેવામાં ખામી હોવાનું ઠેરવ્યું હતું અને બાલાજી ટેક્નો પેકને રૂ. ૧૨,૬૨,૮૧૩/- (બાર લાખ બાંસઠ હજાર આઠસો તેર પૂરા) વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ પર તા. ૨૦/૦૬/૨૦૨૪થી ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. વળી, કંપનીને અન્ય ખર્ચ પેટે રૂ. ૫,૦૦૦/- પણ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો સમય મર્યાદામાં રકમ ચૂકવવામાં નહીં આવે, તો ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે.આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ પોતાના હક માટે લડત કરવી જોઈએ અને અન્યાય થાય તો તેઓનો સંપર્ક કરવા જણાવાયુ છે. લાલજીભાઈ મહેતા (પ્રમુખ): ૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખ): ૯૩૨૭૪ ૯૯૧૮૫, હિતેષભાઈ મહેતા (ઉપપ્રમુખ): ૯૯૭૮૯ ૮૩૯૮૬, રામભાઈ મહેતા (મંત્રી): ૯૯૦૪૭ ૬૮૦૪૮.