મોરબી : મોરબીની હદાણીની વાડીમાં રહેતા રૂડીબેન ડાયાભાઈ કંઝારીયાએ સ્ટાર મલ્ટીપર્પઝ કો.ઓ. સોસાયટી અને સહારા ઈન્ડિયા પરિવારમાં રોકેલી રકમ પાકવા છતાં પરત ન મળી હોય આ અંગે ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ગ્રાહક અદાલતે સહારા ઈન્ડિયા પરિવારને ફટકાર લગાવીને રકમ પરત આપવા હુકમ કર્યો છે.કેસની વિગત જોઈએ તો રૂડીબેન કંઝારીયાએ સહારા ઈન્ડિયા પરિવાર મલ્ટી પર્પઝ કો.ઓ. સોસાયટીમાં રોકાણ કર્યું હતું. જેની મુદ્દત પૂરી થતાં રૂડીબેને રકમ પરત આપવા રજૂઆત કરી હતી. પરંતું સહારા ઈન્ડિયા પરિવારે રકમ આપવાની ના પાડી હતી. જેથી રૂડીબેને મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલતા અદાલતે કંપનીને સેવામાં ખામી હોય રૂડીબેનને 1 લાખ રૂપિયા 6 ટકાના વ્યાજ સાથે અને 5 હજાર ખર્ચના મળીને કુલ 1,05,000 રૂપિયા ચુકવવા આદેશ કર્યો છે.