મોરબી: વીમા કંપની દ્વારા આગમાં થયેલા નુકસાનનો દાવો નકારવામાં આવતાં, મોરબીના એક ઉદ્યોગપતિને ગ્રાહક અદાલતે મોટી રાહત આપી છે. ગ્રાહક અદાલતે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને અરજદારને વ્યાજ અને ખર્ચ સહિત અંદાજે રૂ. 3.30 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો છે.કેસની વિગત મુજબ કિશનભાઈ મગનભાઈ ઝાલાવાડીયા તેઓ મોરબીની નેક્ષા પેપર્સ એલ.એલ.પી.ના ભાગીદાર છે. તા. 20/03/2022ના રોજ તેમની ફેક્ટરીમાં આગ લાગતાં આશરે રૂ. 4 કરોડથી વધુનું નુકસાન થયું હતું. જેમણે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી વીમો લીધો હતો.કિશનભાઈએ સમયસર તમામ દસ્તાવેજો વીમા કંપનીને રજૂ કર્યા હતા, પરંતુ વીમા કંપનીએ નુકસાનીની રકમને 'ખોટી' અને 'ફ્રોડ દસ્તાવેજો' ગણાવીને તેમજ પુરાવાના અભાવનું કારણ આપીને વીમો આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું અને વીમો નકારવાનાં કારણો અમાન્ય ગણાવ્યાં હતાં.ગ્રાહક અદાલતે વીમા કંપનીને મૂળ રકમ રૂ. 2,85,05,117 (બે કરોડ પંચાસી લાખ પાંચ હજાર એકસો સત્તર) તા. 04/01/2024 થી 6% વ્યાજ લેખે તેમજ રૂ. 5000 ના ખર્ચ સહિત અંદાજે રૂ. 3,30,00,000 (ત્રણ કરોડ ત્રીસ લાખ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. અદાલતે નોંધ્યું કે ગ્રાહકે પ્રીમિયમ ભર્યું છે, સી.એ. રિપોર્ટ અને પોલીસ ફરિયાદમાં નુકસાનની વિગત છે. જ્યારે સર્વેયરે પોતાનો રિપોર્ટ એક વર્ષ પછી રજૂ કરીને સેવામા ખામી દર્શાવી છે. આ ચુકાદો દર્શાવે છે કે દરેક વ્યક્તિએ પોતાના હક માટે લડત આપવી જોઈએ.