મોરબી : મોરબીના બંધુનગરના વતની અતુલભાઈ છગનભાઈ સંઘાણીનું હાર્ટ અટેકથી મોત થયા બાદ તેમના વારસદાર કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ એલઆઇસીમાં તેમના ભાઈના વીમાની રકમની માંગણી કરી હતી. જોકે કંપનીએ વીમો આપવાની ના પાડતા અરજદારે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને આ કેસ અદાલતમાં ચાલી જતા કોર્ટે વીમા કંપનીને 15 લાખ રૂપિયા 6%ના વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો છે.સમગ્ર કેસની વિગતો જોઈએ તો, બંધુનગરના અતુલભાઈ છગનભાઈ સંઘાણીનું તારીખ 29-7-2023ના રોજ મોરબીની આયુષ હોસ્પિટલમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈ કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ LIC વીમા કંપનીને તમામ કાગળ રજૂ કર્યા હતા. પરંતુ વીમા કંપનીએ કહ્યું હતું કે તેમની ફાઈલમાં થાઇરોડ હતો તેથી વીમામાં કવર થઈ શકે નહીં અને આ રોગ જૂનો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે કોઈ પણ વીમો લેવામાં આવે તો તેનું મેડિકલ કરાવવું જોઈએ, વીમા કંપની આવી કોઈ પણ જાતની તપાસ કરી નથી અને થાઇરોડ અને હાર્ટ એટેકને કોઈ સંબંધ નથી. માટે તેમના વારસદાર કમલેશભાઈ છગનભાઈ સંઘાણીને 15 લાખ રૂપિયા 6% ના વ્યાજ સાથે ચૂકવી આપવા અને જો સમય મર્યાદામાં ન ચૂકવાય તો 9%ના વ્યાજ સાથે ચૂકવવા તથા ખર્ચ પેટે 5000 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.