મોરબી : મોરબીના ફેક્ટરી ચાલકે ફરીદાબાદની એક પેઢી પાસેથી મંગાવેલું મશીન ખરાબ નીકળતા આ અંગેનો કેસ ગ્રાહક અદાલતમાં કરાયો હતો. જે કેસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા અદાલતે ફરીદાબાદની વિનાયક એન્જિનિયરિંગ કંપનીને ફટકાર લગાવી છે અને મોરબીના ફેક્ટરી ચાલકને તેઓએ આપેલી મશીનની રકમ પરત આપવા આદેશ કર્યો છે.મોરબીના વતની સુરેશભાઈ છગનભાઈ વડનગરા લજાઈ ચોકડી પાસે મેટા પેક નામની ફેક્ટરી ચલાવે છે. તેમણે ફરીદાબાદની વિનાયક એન્જિનિયરિંગ કંપની પાસેથી 30 લાખ 9 હજારનું મશીન મંગાવ્યું હતું. જો કે આ મશીન ચાલતું ન હોય કંપની ફોલ્ટ હોવાથી સુરેશભાઈ વડનગરાએ રકમ પરત માગતા વિનાયક એન્જિનિયરિંગ કંપનીના માલિકે રકમ આપવાની ના પાડી હતી. જેથી સુરેશભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા અદાલતે ફરીદાબાદની વિનાયક એન્જિનિયરિંગ કંપનીને 32,01,000 અને 5,000 અન્ય ખર્ચના 6% ના વ્યાજ સાથે તારીખ 18-9-2024 થી ચૂકવવાનો આદેશ કર્યો છે.