મોરબી : મોરબીના વતની હિમાંશુભાઈ ભગવાનજીભાઈ મકવાણાએ જેતપર રોડ પર આવેલી માનસધામ સોસાયટીમાં મકાન લીધું હોય અને આ મકાનની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હોય બેંકે મળવાપાત્ર સબસિડી આપવાની ના પાડતા આ અંગે મકાન માલીક દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે હિમાંશુભાઈને સબસિડીના રૂપિયા ચુકવી આ એક્સીસ બેંક લોન સેન્ટરને આદેશ કર્યો છે.ફરિયાદી હિમાંશુભાઈ મકવાણાએ મકાન પર 7,25,000ની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હતી. સરકારના નિયમ મુજબ 2,67,000 હજાર રૂપિયા સબસિડી આ મકાન પર મળશે તેવું બેંકના કર્મચારી ચિરાગભાઈ ભોજાણીએ કહ્યું હતું. જેથી હિમાંશુભાઈએ તમામ પેપર સબમિટ કર્યા હતા. પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સબસિડી મળી નહતી. તેમણે હોમ લોન વિભાગના વડા નારણદાસનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે સબસિડી માટે લોગઈન કરવાની પ્રક્રિયા બેંકે કરવાની હોય છે અને ગ્રાહકને સબસિડી માટે મદદ કરવાની હોય છે. પરંતુ બેંકની સેવામાં ખામી હોય સબસિડી નહીં મળતાં હિમાંશુભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતે એક્સીસ બેંકને રૂપિયા 2,67,000 અને 10 હજાર માનસિક ત્રાસના મળી કુલ 2,77,000 9 ટકાના વ્યાજે ચુકવવા આદેશ કર્યો છે.