હળવદના રણછોડગઢ ગામે વનવિભાગ અને ગ્રામજનોનો સંયુક્ત પ્રયાસ કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હળવદ : પૃથ્વીને વિનામૂલ્યે ઓક્સિજન આપતા વૃક્ષોનું આપણા જીવનમાં અનેરૂ મહત્વ છે અને કોરોના કાળમાં ઓક્સિજનની કમીને કારણે અનેક લોકોએ સ્વજનો ગુમાવવા પડ્યા છે. ત્યારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલા હતભાગીઓના સ્વજનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજરોજ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્ક ૨૦૨૧ અંતર્ગત સામાજિક વનીકરણ રેન્જ-હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા રણછોડ ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં આવેલ શિવજીના મંદિર ખાતે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તકે વિભાગના આર.એફ.ઓ., ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. આ તકે વન વિભાગના આર.એફ.ઓ. પી. જે. જાડેજા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના સભ્ય મેરાભાઇ વિઠલાપરા, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મણભાઈ દલસાણીયા, મહેશભાઈ કોપીણીડયા તેમજ વનપાલ જી. ટી. સોલંકી, કે. ટી. વાઘેલા, જે. એ. પીપરીયા સહિત ગામના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ હાજર રહેલ દરેક ગ્રામજનોએ રોપવામાં આવે તમામ વૃક્ષોનું જતન કરવાના પણ શપથ લીધા હતા.