મોરબીના ઇન્દીરાનગરમાં હલકી ગુણવત્તાનો રસ્તો બનાવ્યાનો લોકોનો આક્ષેપ મોરબી : મોરબીમાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા ચાઇનાની ટેક્નોલોજીનો ઉપયોગ કરી સિમેન્ટ રોડ બનાવવાનુ શરૂ કર્યું છે. મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દીરાનગરમાં આવો રસ્તો બનાવાતા માત્ર ત્રણ મહિનામાં જ લાખોનો ખર્ચે એડે જતા લોકોને ફરી હાલાકીનો ભોગ બનવાનો સમય આવ્યો છે. મોરબીના સામાં કાંઠે આવેલ મહેન્દ્રનગર ગામમાં સમાવિષ્ટ ઇન્દીરાનગર વિસ્તારમાં જવા માટે તંત્ર દ્વારા લાંબા સમય બાદ લાખો રૂપિયાનો ખર્ચ કરી મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા સિમેન્ટ જાણે વાપરવામાં જ ન આવ્યો હોય તેવી સ્થિતિમાં માત્ર 3 મહિના પહેલા જ નવો બનેલ સી.સી રોડમાં હાલમાં માત્ર કોંક્રેટ જ બચવા પામી છે. વધુમાં સ્થાનિક નાગરિકો દ્વારા આ માર્ગ હલકી ગુણવત્તાનો બનાવાયો હોવાનો આક્ષેપ કરી માત્ર 90 દિવસમાં જ સીસી રોડ ઉપર સિમેન્ટનું નામો નિશાન ન રહ્યું હોવાથી તાકીદે તપાસ કરી કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરી ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી છે. આમ, વર્ષો બાદ બનેલો રોડ થોડા જ દિવસોમાં ખખડધજ થઈ જતા હાલમાં ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ જેસે થે જેવી થઈ ગઈ છે. અને આ રોડમાં કોન્ટ્રાકટર અને ભ્રષ્ટાચારીઓ સામે યોગ્ય પગલાં ભરવાની માંગ સ્થાનિકો દ્વારા પુનઃ દોહરાવવામાં આવી હતી.