મોરબી સહિત સૌરાષ્ટ્રમાં બુધવારથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમોરબી : જો તમે વીજ બિલ ભરવામાં આળસ કરી રહ્યા છો અથવા બિલ ભરવાનું બાકી છે, તો હવે સાવધાન થઈ જજો. પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી લેણાં વસૂલવા માટે કમર કસી લેવામાં આવી છે. આગામી બુધવારથી મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ થવા જઈ રહી છે, જેમાં વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવશે.સૌરાષ્ટ્ર-કચ્છમાં 182 કરોડનું લેણું, 4.50 લાખ બાકીદારોપીજીવીસીએલના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 જિલ્લાઓમાં મળીને કુલ 4.50 લાખ જેટલા વીજ ગ્રાહકોએ બિલ ભર્યા નથી. આ બાકીદારો પાસે પીજીવીસીએલના આશરે 182 કરોડ રૂપિયા ફસાયેલા છે. બે કે તેથી વધુ બિલિંગ સાયકલથી બિલ ન ભરનારા આવા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવા માટે તંત્રએ 200 થી વધુ વિશેષ ટીમો બનાવી છે અને સબ-ડિવિઝન વાઇઝ બાકીદારોની યાદી પણ તૈયાર કરી લીધી છે.મોરબી જિલ્લામાં 35 હજારથી વધુ બાકીદારો પર લટકતી તલવારપીજીવીસીએલ દ્વારા તૈયાર કરાયેલા ડેટા મુજબ, મોરબી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકોએ વીજ બિલ જમા કરાવ્યા નથી. મોરબીમાં કુલ 35,985 જેટલા વીજ ગ્રાહકો એવા છે જેમની સામે જોડાણ કપાવાનો ખતરો ઊભો થયો છે.મોરબી જિલ્લાના બાકીદારોના આંકડા પર એક નજરરૂ. 1 લાખથી વધુ બાકી હોય તેવા: 36 ગ્રાહકોરૂ. 50 હજારથી વધુ બાકી હોય તેવા: 14 ગ્રાહકોરૂ. 25 હજારથી વધુ બાકી હોય તેવા: 163 ગ્રાહકોરૂ. 25 હજારથી ઓછી રકમ બાકી હોય તેવા: 35,772 ગ્રાહકોબુધવારથી 200 ટીમો મેદાનમાં ઉતરશેપીજીવીસીએલની ટીમો આગામી બુધવારથી ઘરે-ઘરે અને ફેક્ટરીઓએ ફરીને ચેકિંગ કરશે. જે ગ્રાહકોનું બિલ બાકી હશે તેમને સ્થળ પર જ બિલ ભરવાની તક આપવામાં આવશે, પરંતુ જો તેઓ બિલ નહીં ભરે તો તાત્કાલિક અસરથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. એકવાર કનેક્શન કપાયા બાદ નવું જોડાણ મેળવવા માટે રિ-કનેક્શન ચાર્જ સહિતની રકમ ભરવી પડશે તેવી ચીમકી પણ તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વીજ કંપનીની આ આકરી કાર્યવાહીથી બચવા માટે જે ગ્રાહકોના બિલ બાકી છે તેઓને સત્વરે પોતાનું બિલ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.