મોરબી : પ્રદેશ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા આજરોજ મોરબી ખાતે આવી પહોંચી હતી. રેલીમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાઓને જગાડવા અને ભાજપના જુઠાણાનો પર્દાફાશ કરવા આ પરિવર્તન યાત્રા કાઢવામાં આવી છે. મોરબી આવી પહોંચેલી આ પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના નેતૃત્વમા સોમનાથથી સૂઈ ગામ સુધીની પરિવર્તન યાત્રા નીકળી છે. આ યાત્રા આજે મોરબી ખાતે આવી પહોંચી હતી. આ પરિવર્તન યાત્રા શનાળા બાયપાસથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. જેમાં શનાળા રોડ, શાકમાર્કેટ, નેહરુ ગેટ ચોક, રામધન આશ્રમ સુધી ફરી હતી. છેલ્લે રામધન આશ્રમથી થઈ આ યાત્રા હળવદ જવા રવાના થઈ હતી. કોંગ્રેસની આ બાઈક રેલીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જેન્તીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને યુવાઓ જોડાયા હતા.