મોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબીથી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન વારંવાર અનિયમિત થતી હોવાને કારણે મુસાફરોને પડતી હાલાકી અંગે ડીવીઝનલ રેલવે મેનેજર, રાજકોટને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, મોરબી-વાંકાનેર રૂટ પર ચાલતી ડેમુ ટ્રેનનો ઉપયોગ અનેક મુસાફરો નિયમિત કરે છે. આ ટ્રેનમાં ૨૦૦થી વધુ પાસ ધારકો પણ છે, જેઓ દરરોજ અવરજવર માટે તેના પર આધાર રાખે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મેઇન્ટેનન્સના બહાને આ ટ્રેનને વારંવાર બંધ રાખવામાં આવે છે, જેના કારણે મુસાફરો અને ખાસ કરીને પાસ ધારકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આ ટ્રેનને નિયમિત કરવામાં આવે તો મુસાફરોને ઘણી સુવિધા મળશે અને સ્થાનિક ધંધાર્થીઓને પણ લાભ થશે. તેમણે જણાવ્યું કે અગાઉ આ રૂટ પર નિયમિત રીતે બે ડેમુ ટ્રેન ચાલતી હતી. ત્યારે ડેમુ ટ્રેનને નિયમિત કરીને મુસાફરોની સમસ્યાનું નિવારણ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.