સંવિધાન હત્યા દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર કોની સૂચનાથી સામેલ થયું ? જવાબ આપો- કોંગ્રેસમોરબી : કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થતાં મોરબી મુકામે ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર પણ જોડાયું હોય આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર કોની સૂચનાથી જોડાયું હતું તે અંગે જવાબ માગ્યો છે.કિશોરભાઈ ચિખલીયાએ કલેક્ટરને લેખિતમાં જણાવ્યું છે કે, કટોકટીના 50 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા મોરબી મુકામે સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ કરાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર તથા જિલ્લા સરકારી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. તો આ કાર્યક્રમ કોની સૂચનાથી કરવામાં આવ્યો હતો ? તેમજ આ કાર્યક્રમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો કે કેમ ? તેની લેખિતમાં જાણ કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે. આવા કાર્યક્રમો કરીને વહીવટી તંત્રએ લોકશાહીનું અપમાન કર્યું છે. તેમજ બંધારણની માન મર્યાદા જાળવવાનું પણ વહીવટી તંત્ર ચુકી ગયું હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. વધુમાં આવા કાર્યક્રમ કરવા માટે સરકારે સૂચના કે પરિપત્રની જાણ કરી હોય તો તેની માહિતી પણ લેખિતમાં આપવા જણાવ્યું છે.