નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો નહિ અપાઈ તો આંદોલનની ચીમકીમોરબી : મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે પાલીકાએ બનાવેલ નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગવામાં આવી છે. જો આ વિગત 15 દિવસમાં નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વહિવટદારને રજુઆતમાં જણાવ્યું કે મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રઝળતા ઢોરનો પશ્ન યથાવત છે. આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ? આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ? જેની સંસ્થાના નામ સહિત આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ? આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ? જેની તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી.આ નંદીઘર બનાવવા માટે થઈને જે પાલીકાએ ખર્ચ કરેલ છે તે રકમ કયા હેડમાં ઉધારવામાં આવી છે ? જેની આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘરની અંદર કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા? અને તે કર્મચારીઓને કેટલો પગાર ચુકવવામાં આવતો હતો ? આ નંદીઘરમાં રાખવામાં આવતા રઝળતા ઢોરને નંદીઘરમાં મુકવા માટે કઈ સંસ્થાઓ આવતી હતી? જેના નામ સાથે વિગતો પુરી પાડવી. આ નંદીઘરમાં રાખવામાં આવેલ ઢોર માટે ઘાસચારો અને અન્ય વસ્તુઓની જે ખરીદી કરવામાં આવતી હતી તે વસ્તુઓની ખરીદી ક્યાંથી કરવામાં આવતી હતી ? જેની વસ્તુઓના નામ સાથે તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી. આ નંદીઘરમાં મુકવામાં આવેલા કન્ટેનરની ખરીદી ક્યાંથી કરવામાં આવેલ હતી અને શું ભાવથી ખરીદી કરવામાં આવેલ હતી ?અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ વિગતો દિન-15માં પુરી પાડવામાં નહીં આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. જેમાં ઉપસ્થિત થનાર પરિણામોની જવાબદારી નગરપાલિકા કચેરીની રહેશે.