પુલ તૂટ્યાને એક વર્ષ થયું, અનેક રજૂઆતો થઈ છતાં અધિકારીઓએ અને ધારાસભ્યએ આની દરકાર લીધી નથી : જિલ્લા કોંગ્રેસ પ્રમુખમોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોલ ખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુના લીલાપર રોડ ઉપર તૂટી ગયેલો પુલ એક વર્ષથી બન્યો ન હોવા મુદ્દે કોંગ્રેસે સ્થાનિકોને સાથે રાખી પુલની મુલાકાત લીધી હતી અને ત્યાંથી તંત્રની ઝાટકણી કાઢી હતી. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે અમે આઇકોનિક રોડ એવા વાવડી રોડ ઉપરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસ થોડા દિવસોમાં ફરી પોલ ખોલ કાર્યક્રમ યોજશે. જે મુજબ અમે જુના લીલાપર રોડ ઉપર આવ્યા છીએ. અહીં અંદાજિત એક વર્ષથી પુલ તૂટી ગયેલો છે. આ પુલ ઉપરથી રોજ લીલાપર, અદેપર અને રફાળેશ્વર જીઆઇડીસીના લોકોની મોટી સંખ્યામાં અવરજવર છે. તેઓને હાલાકી પડી રહી છે. પુલ તૂટ્યો તેને એક વર્ષ થયું છતા ચૂંટાયેલા ધારાસભ્યએ અને અધિકારીએ આની સરકાર લીધી નથી. અનેક રજુઆતો પણ કરેલી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે જિલ્લા પંચાયતને પૂછવામાં આવે ત્યારે એવું કહે કે ટેન્ડર સ્વીકૃતિ આપી દીધી છે અને ટૂંક સમયમાં કામ કરશુ. એક વર્ષ થઈ ગયું હજુ કામ શરૂ થયું નથી. મોરબીના ધારાસભ્ય કમિશનરની સામે બેસી કમિશનરને વિસ્તારવાઇઝ રજુઆત કરી માત્ર સીન સપાટા કરે છે.નિલકમલ સોસાયટીમાં રહેતા નરેશભાઈ એ કહ્યું કે પુલ તૂટ્યો તેને 1 વર્ષ થયું છે. ડાયવર્ઝન આપ્યું છે તેમા ચોમાસામાં પાણી ભરાઈ એટલે ખૂબ હાલાકી પડે છે. અમારી માંગ છે કે તાત્કાલિક આ પુલ નવો બનાવવામાં આવે. અન્ય એક વૃદ્ધ સ્થાનિકે જણાવ્યું કે અમારા સંતાનો સિરામિકમાં કામે જાય છે. આ એક જ રસ્તો છે. તેઓને આવવા-જવામાં ખૂબ મુશ્કેલી પડે છે.આ અંગે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું કે આ પુલ મંજુર કરવામાં આવ્યો છે. ટેન્ડર સહિતની પ્રક્રિયા ચાલુ છે. ચોમાસા બાદ કામ શરૂ કરવામાં આવશે.