ભાજપના ઉમેદવારોને 8 મતો સામે કોંગ્રેસના બંને ઉમેદવારોને 15 મતો મળતા ઐતિહાસિક વિજય, કોંગ્રેસે ગુમાવેલો ગઢ પાછો મેળવ્યોવાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતની આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય સત્તા વાપસી કરી છે. આઝાદી બાદથી વાંકાનેર તાલુકા પંચાયત પર સતત કોંગ્રેસનું વર્ચસ્વ અને શાસન ચાલ્યું આવતું હતું, જોકે ગત ટર્મમાં આ સત્તા ભાજપે મેળવી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થતાં, કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી ફરી એકવાર સત્તા પર કબ્જો જમાવ્યો છે. વિજયની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.આજે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે કોળી સમાજના દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ પદે મોમીન સમાજનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના યુવા નેતા ઈરફાન ચૌધરીએ જીત હાંસલ કરી છે. ચૂંટણીમાં પક્ષવાર સંખ્યાબળ મુજબ જ મતદાન જોવા મળ્યું હતું. આંતરિક વિરોધના ગણગણાટ વચ્ચે પણ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉમેદવારોને 15 મતો મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવારોને માત્ર 8 મતો મળતા કોંગ્રેસના ઉમેદવારોનો ઐતિહાસિક વિજય થયો હતો. આ સાથે જ આજની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.#Wankaner #WankanerTalukaPanchayat #MorbiUpdate #Congress #GujaratNews #LocalNews #PanchayatElection #MorbiNews