10 ઓગસ્ટ સુધીમાં નવા ઢાંકણા નહીં નાખવામાં આવે તો 11 ઓગસ્ટે ઉપવાસ આંદોલનની ચીમકીમોરબી : મોરબી-માળિયા બાયપાસ રોડ પર તૂટી ગટેલા ગટરના ઢાંકણા મામલે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તૂટી ગયેલા ભૂગર્ભ ગટરના ઢાંકણામાં વાંસ ઉભો કરીને ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ અંગે કોંગ્રેસના નેતા મનોજભાઈ પનારાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી આ હાઈવે બનેલો છે. હાઈવે બન્યો ત્યારથી આજદિન સુધી ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. જેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે. તૂટેલા ઢાંકણાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ગઈકાલે જ સત્કાર સોસાયટીના એક વ્યક્તિ પોતાના બાળક સાથે ચાલીને જઈ રહ્યા હતા અને તેઓ પડી ગયા હતા. 20 ફૂટ ઉંડી ગટરમાં કોઈ પડે તો જીવીત રહી શકે નહીં. ભાજપની આ સરકાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગટરના ઢાંકણામાં કરતી હશે તેવું લાગી રહ્યું છે. તેથી 20 ટનની જગ્યાએ 100 ટનની કેપેસિટીના ઢાંકણા હાઈવે પરની ગટર પર નાખવામાં આવે તેવી અમારી માંગ છે. મોરબીમાં કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટે ન્યાય યાત્રા નીકળશે અને 10 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપીએ છીએ. ત્યાં સુધીમાં ગટરના ઢાંકણા નાખવાનું કામ નહીં થાય તો 11 ઓગસ્ટે હાઈવે પર લોકો સાથે બેસીને ઉપવાસ આંદોલન કરીશું.