પ્રમુખ પદ આદિ જાતિ મહિલા અનામત હોય, ભાજપના ઉમેદવાર હાર્યા હોવાથી પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે : ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ગરચર, કારોબારી ચેરમેન તરીકે મનિષકુમાર કાંજીયા, પક્ષના નેતા તરીકે સવિતાબેન રાઠોડ અને દંડક તરીકે કાજલબેન વિઠ્ઠલાપરાની વરણીમોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં રાજ ભલે ભાજપનું રહ્યું પણ આજે પ્રમુખ તરીકે કોંગ્રેસના વિજેતા ઉમેદવારને બેસાડવામાં આવ્યા છે. પ્રમુખ પદ આદિ જાતિ મહિલા અનામત હોય, ભાજપના ઉમેદવાર હાર્યા હોવાથી પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. પ્રમુખ સહિતના હોદેદારોની આજે વરણી થતા જ તમામ હોદેદારો ઉપર શુભકામનાઓનો ધોધ વર્ષી રહ્યો છે.મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે માત્ર 1 જ ફોર્મ ભરાયું હતું, જેથી નેકનામ બેઠકના ગીતાબેન રમેશભાઈ દુબરીયા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ખાનપર બેઠકના ભાજપના વિપુલભાઈ કરશનભાઇ ગરચરની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 17 સભ્યો ભાજપના અને 7 સભ્યો કોંગ્રેસના છે.આ ઉપરાંત જિલ્લા પંચાયતના અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં કારોબારી ચેરમેન તરીકે મનિષકુમાર અનિલભાઈ કાંજીયા, પક્ષના નેતા તરીકે સવિતાબેન લાલજીભાઈ રાઠોડ અને દંડક તરીકે કાજલબેન ભરતભાઇ વિઠ્ઠલાપરાની નિમણૂક કરાઈ છે. ગીતાબેન દુબરીયા પ્રથમ વખત જ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને અગાઉ તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પ્રથમ વખત પ્રમુખનો ચાર્જ સંભાળતા જ તેમણે તમામ કામો કરવાની ખાતરી આપી હતી.જોકે, આજની આ વરણીમાં એક બાબત ભારે ચર્ચાનો વિષય બની હતી. પ્રમુખની ખુરશીની બરાબર બાજુમાં જ તેમના ભાણેજ પંકજભાઈ ગજેરા બેઠા હતા. સામાન્ય રીતે પ્રમુખની ખુરશીની બાજુમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી શકે નહીં, પરંતુ તેમના ભાણેજે ત્યાં બેસીને કોંગ્રેસના આગેવાનો અને અન્ય લોકોના હારતોરા સ્વીકાર્યા હતા. આ અંગે ગીતાબેને જણાવ્યું હતું કે તેમને ચૂંટણી જીતાડવામાં તેમના ભાણેજ પંકજભાઈએ ખૂબ સારી મહેનત કરી છે.#Morbi #MorbiUpdate #MorbiJillaPanchayat #GujaratPolitics #BJP #LocalBodyElections