મોરબી : મોરબી શહેરની જનતાને પીવા લાયક શુદ્ધ પાણી મળે તે માટે તાત્કાલિક ધોરણે ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગ કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને આજરોજ લેખિત રજૂઆત કરે છે.કોંગ્રેસ પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી જનતાને જે પીવાલાયક પાણી આપવામાં આવે છે તે પાણી પીવાલાયક છે કે કેમ તે અંગે પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જો આ પાણીની તપાસ કરાવવામાં આવે તો પગ નીચેથી જમીન સરકી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે. આ પાણી પીવાથી મોરબી શહેરની જનતાને આરોગ્યને મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. તાજેતરમાં જ મોરબી શહેરના પાણીના ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. જો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોય તો લોકોના આરોગ્ય પર મોટો ખતરો છે. પ્રજા ટેક્સ ભરે છે પરંતુ તેને ટેક્સના બદલામાં જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. લોકોને સુવિધા આપવામાં કમિશનર અને ધારાસભ્યને સમય નથી. તેથી તાત્કાલિક ધોરણે તમામ ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.