મોરબી : મોરબી-માળિયા વિસ્તારના અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા સીધી સહાય જમા કરવા બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ અગ્રણી જયંતીલાલ પટેલ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકશાની થયેલ છે. ત્યારે રાજય સરકારના મંત્રીએ પણ ખેડૂતોના પાકને નુકશાન થયું છે, તેવું સ્વીકારે છે. ત્યારે રાજય સરકાર દ્વારા સર્વે કરવા ટીમ બનાવેલ છે. આ સર્વેની કામગીરી ખેડૂતોની મશ્કરી સમાન છે. અને આ એક રાજય સરકારનું સર્વે અંગેનું નાટક છે. હાલમાં મોરબી-માળિયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતના ખેતરોમાં ભારે પાણી ભરાયેલા હોય ત્યારે રાજય સરકારની સર્વેની ટીમ કઈ રીતે સર્વે કરશે? તે પણ શંકાને બાબત છે. જો આ સર્વેની ટીમ મોરબી-માળિયા વિસ્તારના ખેડૂતોના ખેતરોનું સર્વે કરે તો વધુ સમય નીકળી જાય તેમ છે. રાજય સરકારે બનાવેલ સર્વેની એક ટીમને પાંચ ગામ સર્વે કરવા કહેલ છે. ત્યારે મોરબી-માળિયા વિસ્તારમાં વધુ ગ્રામ્ય વિસ્તાર હોય તો સર્વેની કામગીરી શકય નથી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી ન પડે તે માટે સરકાર સીધી જ ખેડૂતના બેંકના ખાતામાં તાત્કાલિકના ધોરણે સહાય જમા કરાવે. રાજય સરકાર પાસે મોરબી-માળિયા વિસ્તારના ખેડૂતની જમીન તથા બેંકની તેમજ અન્ય વિગતો છે જ. ત્યારે રાજય સરકાર દ્વારા સર્વે અંગેનું ફકત ને ફકત નાટક જ છે. જેથી, માંગણી કરાઇ છે કે આ સર્વેની કામગીરીનું નાટક બંધ કરી, રાજય સરકાર દ્વારા ખેડૂતો સાથેની મશ્કરી બંધ કરી અને સીધા જ ખેડૂતના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાય તેમજ મોરબી-માળિયા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરાય એવી માંગણી કરવામાં આવી છે.