આમ આદમી પાર્ટી દ્વારા વાસ્તવિકતા દેખાડતા પોસ્ટર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની જાહેરાતમોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી પધારવાના છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમ સ્થળે ન પહોંચે તે માટે તેઓને નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા વાસ્તવિકતા દેખાડતા પોસ્ટર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની જાહેરાત કરાઈ છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવા સમય માંગવામાં આવ્યો હતો. ઉપરાંત તેઓ દ્વારા ધારાસભ્યને ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે હિંમત હોય તો અમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા લઈ જાવો. ત્યારે આજે મુખ્યમંત્રી મોરબીમાં બપોરે 2 વાગ્યે આવી રહ્યા છે તે પૂર્વે સવારથી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા, કોંગ્રેસ અગ્રણી અમુભાઈ હુંબલ, કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઈ કાસુંન્દ્રા,બળદેવભાઈ ઘુમલીયા, મિલનભાઈ સોરીયા સહિતનાં આગેવાનોને નજર કેદ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કર મોરબી શહેરની નરી વાસ્તવિકતા સામે આવે અને ગંદકી તથા ભ્રષ્ટાચારથી લોથપોથ તંત્રની સાચી છબી બહાર આવે અને લોકો જાગૃત થાય એ માટે મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે પોસ્ટરો બનાવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ પોસ્ટર સાથે રાખી આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમના હોદેદારો બપોરે 1 વાગ્યે રવાપર ચોકડીએ ભેગા થશે અને ત્યાંથી ચાલીને મુખ્યમંત્રીનું સ્વાગત કરવા જશે.