મોરબી : દલવાડી સર્કલથી પંચાસર ચોકડી સુધીના રોડ પર ઉડેલી ધૂળ અને પથરાયેલી મેટલ (કપચી)ને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો અટકાવવા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા દ્વારા આ મામલે સત્વરે કામગીરી કરવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, દલવાડી સર્કલથી જતા ડાબી સાઈડના રોડ પર મોટા પ્રમાણમાં ધૂળ અને મેટલ ફેલાયેલી છે. આ ખરાબ રસ્તાના કારણે છેલ્લા કેટલાક સમયમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. ૧૦ દિવસ પહેલા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની બહાર નીકળતા એક બાઈક ચાલક આ મેટલ પર સ્લિપ થતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત, એક મહિના પહેલા કામધેનુ પાસે એક વિદ્યાર્થિનીનું પણ વાહન સ્લિપ થવાથી મોત નીપજ્યું હતું.આ વિસ્તારમાં અકસ્માતોની વણથંભી વણજાર ચાલી રહી છે. GJ-5 ઢોંસાની બાજુમાં, શક્તિ હોટેલ અને ઉમા પાણીની બાજુમાં પણ યુવાનો અને અન્ય વાહન ચાલકો સ્લિપ થવાના બનાવો બન્યા છે. રસ્તા પર ફેલાયેલી ધૂળ અને મેટલના કારણે વારંવાર સર્જાતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ, અલ્પેશ કોઠીયાએ કમિશનરને અપીલ કરી છે કે, તાત્કાલિક ધોરણે આ રોડ પરથી ધૂળ અને મેટલ સાફ કરવામાં આવે જેથી વધુ લોકોના જીવ જોખમમાં ન મૂકાય અને રસ્તો વાહનવ્યવહાર માટે સલામત બને.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadSafety #MorbiMunicipalCorporation #AccidentZone #DalvadiCircle