મોરબી : રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તમામ પોલીસ સ્ટેશનના વડાઓને 100 કલાકની અંદર ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે. ત્યારે રાજ્ય પોલીસ વડાના આ નિર્ણયને મોરબીના કોંગ્રેસના નેતા રમેશભાઈ રબારીએ આવકાર્યો છે અને મોરબી જિલ્લા પોલીસ ગુનેગારોની યાદી સાર્વજનિક કરે તેવી માગ કરી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપ પ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રોજબરોજ બગડતી જાય છે. ત્યારે પોલીસે ગુનો કરવા ટેવાયેલા શખ્સોને કાયદાનું ભાવ કરાવી કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય પોલીસ વડાની સૂચના મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે ગુનેગારોની યાદી બની રહી છે તે ટેબલના ખાનામાં ન રહી જાય અને પ્રજાને ગુનેગાર કોણ છે તેની જાણકારી મળે તે માટે ગુનેગારોનું લિસ્ટ સાર્વજનિક કરવામાં આવે તેવી માગ કરી છે.