જો તાત્કાલિક યોગ્ય રિપેરિંગ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીમોરબી અપડેટ : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને મહેન્દ્રનગર વોર્ડ નં. 3 ના બિસ્માર રોડ-રસ્તાઓ અને પડેલા ખાડાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મહેન્દ્રનગર વોર્ડ નં. 3 માં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે અને રસ્તાઓ ઉપર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય અને કાયમી રિપેરિંગની કામગીરી કરવામાં આવતી નથી. આ ખાડાઓને કારણે રાહદારીઓ, ટુ-વ્હીલર ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓના જીવને જોખમ ઊભું થયું છે. રાત્રિના સમયે ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતની ગંભીર શક્યતા રહે છે.મુકેશ ગામીએ આકરા શબ્દોમાં માંગ કરી છે કે મહેન્દ્રનગર વોર્ડ નં. 3 ના તમામ બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાવી, ખાડાઓનું ગુણવત્તાયુક્ત રિપેરિંગ કરાવવામાં આવે. માત્ર કાગળ ઉપર કામગીરી બતાવવાને બદલે સ્થળ પર યોગ્ય અને ટકાઉ કામ થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તેમણે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જનતાના ટેક્સના નાણાથી રસ્તાઓ બને છે, જનતાને ખાડા ભોગવવા માટે નહીં.વધુમાં, જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો નાગરિકોના હિતમાં સંબંધિત તંત્ર સામે વધુ ઉગ્ર લોકશાહી ઢબે રજૂઆત અને આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #Mahendranagar #RoadSafety #MukeshGami #MorbiMunicipalCorporation #MorbiCity #GujaratNews