મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી ગેરંટી ભાજપ પ્રમુખે નહિ સરકારે સતાવાર રીતે આપવી જોઈએ : કોંગ્રેસ મોરબી : રાજ્ય સરકારે મોરબીને છેલ્લી ઘડીએ સરકારી મેડિકલ કોલેજ રદ કરીને ખાનગી મેડિકલ કોલેજ ફાળવી દેતા મોરબીને મોટો અન્યાય થયાના સુર સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. અને ભાજપ સરકારને આ મુદ્દે ભીંસમાં લેવા કોંગ્રેસે લડતના મંડાણ કર્યા છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજથી એક અઠવાડિયા સુધી પ્રતીક ધરણાનો પ્રારંભ કરી મોરબીને જ્યાં સુધી સરકારી કોલેજ નહિ મળે ત્યાં સુધી લડત ચાલવાનો હુંકાર કર્યો છે. મોરબીના શનાળા રોડ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે છાવણી નાખીને ધરણા પ્રદર્શન કરતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા તેમજ વાંકાનેરના મહંમદ જાવીડ પીરજાદાએ ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના અગ્રણીઓને ગાંધીનગર કેમ દોડી જવું પડ્યું એનો મતબલ એ છે કે, ભાજપની સરકારે મોરબીની સરકારી મેડિકલ કોલેજ રદ કરી દીધી છે. એટલે જ ભાજપને ગાંધીનગરમાં સરકારી મેડિકલ કોલેજ આપવાની માંગ કરી છે. બીજું કે, અહીંના ભાજપ પ્રમુખે આરોગ્ય મંત્રી સાથેની રજુઆત બાદ મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી ખાતરી આપી હતી. હકીકતમાં ભાજપ સરકારને જ આવી વિધિવત જાહેરાત કરવાની હોય છે. જો કે સરકારી મેડિકલ કોલેજનો મુદ્દો હવે રાજકીય બની ગયો છે અને ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. તેથી આ મુદ્દે હજુ નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે.