ગુજરાતની સરકાર ખેડૂતને પ્રાથમિકતા આપતી નથી અને 'દ્વિતીય કક્ષાના નાગરિક' જેવો વ્યવહાર કરી રહી છેઃ મુકુલ વાસનિકમોરબીની ટાઈલ્સ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવે, સરકાર ખેડૂતોની મજાક કરવાનું બંધ કરીને ત્વરીત ખાસ પેકેજ જાહેર કરેઃ અમિત ચાવડામોરબી: મોરબીમાં આજે બુધવારે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા છે. આ તકે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મોરબી જિલ્લાના પ્રાણ પ્રશ્નો સહિતના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યના ખેડૂતોની સ્થિતિ, મોરબીના ઉદ્યોગોના પડકારો અને ભ્રષ્ટાચારના મુદ્દે પોતાનો જનાક્રોશ વ્યક્ત કર્યો હતો. મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને પૂરને કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ સરકારની નીતિઓ ખેડૂતો માટે પૂરતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતની સરકાર ખેડૂતને કોઈ પ્રાથમિકતા આપતી નથી અને તેની સાથે 'દ્વિતીય કક્ષાના નાગરિક' જેવો વ્યવહાર કરી રહી છે.NCRB (નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો) 2023ના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52% ખેડૂતો સૌરાષ્ટ્રના રહેવાસી હતા. તેમણે ખેડૂતોને તુરંત રાહત આપવા માટે ખાસ પેકેજની જાહેરાત કરવા, પાક વીમા યોજના લાગુ કરવા અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી હતી.કોંગ્રેસ પ્રભારીએ મોરબીના સિરામિક ઉદ્યોગના પડકારો પર પણ ધ્યાન દોર્યું હતું. ગેસના ભાવ અને રો-મટિરિયલની કિંમતો વધવાથી સિરામિક ઉદ્યોગનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. તેમજ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગ ઘટી રહી છે અને એન્ટી-ડમ્પિંગના કારણે નિકાસ અટકી રહી છે, જેના કારણે ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સિરામિક ઉદ્યોગના આ તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.તેમણે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરીને આક્ષેપ કર્યો હતો કે પુલ તૂટવા પાછળનું કારણ લાંબા સમય સુધી નવો બન્યો ન હતો તે નહોતું, પરંતુ સમારકામના કામમાં થયેલું ગોટાળો અને ભ્રષ્ટાચાર હતા. તેમણે દાવો કર્યો કે સરકારી અથવા સ્થાનિક સ્તરે કોઈ પણ કામ કરાવવા માટે લાંચ આપ્યા વગર કામ થતું નથી, જે હવે રોજબરોજની ચર્ચા બની ગઈ છે.મુકુલ વાસનિકે મોરબીમાં પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મોરબીની હવા, જમીન અને પાણી દરેક રીતે પ્રદૂષિત છે. નિષ્કર્ષમાં, તેમણે જણાવ્યું કે વિપક્ષ તરીકે કોંગ્રેસ આ તમામ મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને જરૂર પડશે તો કોંગ્રેસ પક્ષ તરફથી આંદોલનાત્મક કાર્યક્રમ પણ કરવામાં આવશે.આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે મોરબી ખાતે કોંગ્રેસની એક એગત્યની બેઠક યોજાઈ છે. જેમાં સંગઠન બાબતે અને આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે ચર્ચા કરાઈ છે. તમામ કાર્યકરોને મળીને પ્રજાના પ્રશ્નોના વાચા આપવા માટેની ચર્ચા કરવામાં આવી છે. મોરબી એ સિરામિક નગરી છે ત્યારે રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ કરે છે પરંતુ ખરા અર્થમાં આ ઉદ્યોગને મદદ કરવાની વાત આવે ત્યારે સરકાર પાછી પાની કરે છે. અન્ય રાજ્યમાં મારબલ પર 5 ટકા જીએસટી છે જ્યારે અહીંયા ટાઈલ્સમાં 18 ટકા જીએસટી છે. તેથી કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે, ટાઈલ્સ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવે. મોરબી આટલું ઔદ્યોગિક ક્ષેત્રે આગળ હોવા છતાં અહીંયા રોડ રસ્તાની હાલત ખરાબ છે, કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં છે, સુવિધાઓ મળતી નથી જેથી અન્ય લોકો અહીંયા રહેવાનું પસંદ કરતાં નથી.મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાના ભાજપના 52 નગરસેવકો સામે પણ ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે. મોરબીમાં ચારેતરફ ખૂબ ભ્રષ્ટાચાર ચાલે છે. કમોસમી વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની આર્થિક પાયમાલી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે. ત્યારે અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરે. ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ અને સરકાર બજેટમાંથી ત્વરીત પાક વીમા યોજના શરૂ કરે તેવી માગણી છે. મોરબીની સ્થિતિ જોતાં આખી સરકાર ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી આજે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ સભાનું પણ આયોજન કરાયું છે.વધુમાં અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આટલા વર્ષોથી તમામ જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોના પાકનો કડદો કરવામાં આવે છે. તેની રજૂઆત કરાય તો પોલીસ ઘરમાં ઘુસીને દંડાવાળી કરે છે. સરકારના મંત્રીઓ હાલ ફોટોસેશન માટે ખેતરોમાં જઈ રહ્યા છે અને ખેડૂતોની પરિસ્થિતિની મજાક બનાવી રહ્યા છે. બોટાદના યુવાનોએ કહ્યું છે કે, જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો નેપાળવાળી કરવી પડશે.