કોર્ટમાં કેસ ચાલુ હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરાયું : તેમના પત્ની રૂપલબેનનું ફોર્મ માન્ય મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટણીજંગમાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને પાસ આગેવાન એવા મનોજ પનારાનું ઉમેદવારીપત્ર રદ થતા ચકચાર જાગી છે. જો કે તેમના પત્નીનું ઉમેદવારીપત્ર માન્ય રહ્યું છે. મોરબી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી નોંધાવનાર મનોજભાઈ જીવરાજભાઈ પનારા સામે અગાઉના કોર્ટ કેસ ચાલુ હોય જેમાં સ્ટે ન મળ્યો હોવાથી આજે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે તેમના પત્ની રૂપલબેન મનોજભાઈ પનારાએ પણ આજ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.