મોરબી : મોરબી શહેરની વર્ષો જૂની અને ગંભીર સમસ્યા એવી ભૂગર્ભ ગટર યોજના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. 2016માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 150 કરોડના ખર્ચે જે યોજનાનું લોકાર્પણ કરાયું હતું, તે આજે જાળવણીના અભાવે પાયમાલ થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું છે. 10માંથી 4 પમ્પિંગ સ્ટેશનોબંધપુષ્પરાજસિંહ જાડેજાએ રૂબરૂ મુલાકાત લીધી હોવાનું જણાવી ઘટસ્ફોટ કર્યો કે, શહેરમાં આવેલા 10 માંથી 4 પમ્પિંગ સ્ટેશનો સદંતર બંધ છે, જેના કારણે ગટરનું ગંદુ પાણી સીધું મચ્છુ નદીમાં ઠલવાઈ રહ્યું છે, જે પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે.તંત્રની કામગીરીને બિરદાવી પણ ભૂતકાળના વહીવટ સામે સવાલતેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી મહાપાલિકાના કમિશનર દ્વારા એજન્સીની નિમણૂક કરી પમ્પિંગ સ્ટેશનો પર સ્ટાફ મૂકવાની કામગીરી કરવામાં આવી છે તે આવકારદાયક છે. જોકે, તેમણે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 2021થી આજ દિવસ સુધી આ પમ્પિંગ સ્ટેશનો બંધ કેમ હતા? કરોડોના ખર્ચે તૈયાર થયેલી યોજના અમલીકરણના અભાવે શા માટે ખોરંભે ચડી અને જનતાના નાણાંનો વ્યય કેમ થયો તે મોરબીની જનતા માટે મોટો પ્રશ્ન છે.સંપૂર્ણ બહુમતીનું પરિણામ પ્રજાએ ભોગવવું પડ્યું: પુષ્પરાજસિંહસત્તાધારી પક્ષ પર કટાક્ષ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, મોરબીની જનતાએ ભૂતકાળમાં ભાજપને 52 માંથી 52 બેઠકો આપી સ્પષ્ટ બહુમતી આપી હતી, છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. ઝૂલતા પુલની દુર્ઘટના અને ત્યારબાદના વહીવટી શાસન દરમિયાન પણ ચૂંટાયેલા કાઉન્સિલરોએ પ્રજાના પ્રશ્નો સાંભળવામાં કે સરકારી યોજનાઓના અમલીકરણમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. જેના પરિણામે આજે પ્રજાએ રસ્તા પર ઉતરીને આંદોલનો અને ચક્કાજામ કરવા પડી રહ્યા છે.આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાને જાગૃત રહેવા અપીલઆવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પુષ્પરાજસિંહ જાડેજાએ જનતાને અપીલ કરતા જણાવ્યું કે, 'મારો એ સારો નહીં, પણ જે સારો હોય એ મારો' તેવા મંત્ર સાથે પ્રતિનિધિઓની પસંદગી કરવી જોઈએ. જે લોકોએ પ્રજાના મતનો દ્રોહ કર્યો છે અને પાંચ વર્ષ સુધી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે, તેમને ફરી તક ન આપવી જોઈએ. જો જનતા જાગૃત બનીને યોગ્ય પ્રતિનિધિ ચૂંટશે, તો જ મોરબી ખરા અર્થમાં 'સ્વપ્નનું પેરિસ' બની શકશે.